વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 74માં જન્મદિવસે ઓડિશાના પાટનગરમાં રાજ્યની અતિમહત્ત્વાકાંક્ષી સુભદ્રા યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે દેશના તેમના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના ઘરે જવા મુદ્દે ઊઠેલા વિવાદ પર પહેલી વાર વાત કરી હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે આજે પણ સમાજમાં વિભાજન થાય તેવું ચાહતા લોકોને ગણેશ ઉત્સવથી સમસ્યા છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમને હું ગણેશ પૂજામાં ભાગ લઉં તે સામે સમસ્યા છે. સત્તાના ભૂખ્યા લોકોને ગણેશ પૂજાથી સમસ્યા થઈ રહી છે. વડાપ્રધાને કહ્યું હતું કે ગણેશ ઉત્સવ દેશ માટે માત્ર આસ્થાનો વિષય નથી બલકે તેણે આપણા સ્વતંત્રતા આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે પણ સમાજમાં વિભાજન ઇચ્છતા લોકોને ગણેશ ઉત્સવ સામે સમસ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે કર્ણાટકમાં તો કોંગ્રેસે ભગવાન ગણેશને સળિયા પાછળ પહોંચાડી દીધા હતા.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે દેશ આજે હૈદરાબાદ મુક્તિ દિવસ મનાવી રહ્યો છે. આઝાદીના વખતે તકવાદી લોકો સત્તા મેળવવા માટે ભારતના ટુકડા કરવા માટે તૈયાર હતા પરંતુ સરદાર પટેલ આગળ આવ્યા હતા અને તેમણે દેશને એકજૂથ કર્યો હતો. તેમણે હૈદરાબાદમાં ભારત વિરોધી કટ્ટરવાદી શક્તિઓ પર કાબૂ મેળવ્યો હતો અને 17 સપ્ટેમ્બરે તેને મુક્ત કરાવ્યું હતું. હૈદરાબાદ મુક્તિ દિવસ માત્ર એક તારીખ નથી બલકે આપણા માટે દેશ પ્રત્યે આપણી જવાબદારીઓને વિશેની એક પ્રેરણા છે.
Source link