કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ રાષ્ટ્રને સંબોધિત કરતા ભારતીય કંપની અદાણી ગ્રુપ સાથેના તમામ પ્રસ્તાવિત કરારો રદ કરવાની જાહેરાત કરી દીધી છે. આ કરારોમાં પાવર ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તરણ જેવા મોટા પ્રોજેક્ટ્સ સામેલ હતા. કેન્યાની સરકારે અદાણી ગ્રૂપ સાથે $700 મિલિયનની પ્રસ્તાવિત પાવર ટ્રાન્સમિશનની ડિલ રદ કરી દીધી છે.
અમેરિકામાં અદાણી ગ્રુપ પર લાંચ લેવાના આરોપ બાદ કેન્યાનો મોટો નિર્ણય
આ ડીલ દેશમાં વીજળી ટ્રાન્સમિશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેની હતી. અદાણી ગ્રૂપ દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિસ્તરણ માટે $1.8 બિલિયનની દરખાસ્ત પણ રદ કરવામાં આવી છે. કેન્યાના રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું કે તેમની સરકારે ભારતીય કંપની અદાણી ગ્રુપ સાથેના બે મોટા પ્રસ્તાવિત કરારો રદ કરી દીધા છે. અમેરિકામાં અદાણી ગ્રુપ પર લાંચ લેવાના આરોપો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું કે તેમણે કેન્યાના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથને સોંપવાની ડિલને રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ઊર્જા મંત્રાલય દ્વારા ગયા મહિને અદાણી જૂથ સાથે કરવામાં આવેલા 30 વર્ષની જાહેર-ખાનગી ભાગીદારી ડિલ પણ રદ કરવામાં આવી છે. આ ડિલ કેન્યામાં પાવર ટ્રાન્સમિશન લાઈન બનાવવાની હતી.
ડિલ રદ થવાનું શું છે કારણ?
અદાણી ગ્રૂપ પર તાજેતરમાં અમેરિકામાં ગંભીર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. આ આરોપો બાદ કેન્યા સરકારે આ મોટું પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું કે તેમની સરકાર પારદર્શિતા અને પ્રામાણિકતાના સિદ્ધાંતો પર કામ કરે છે અને દેશની છબી અને હિતોની વિરુદ્ધ હોય તેવા કરારોને મંજૂરી આપશે નહીં.
અદાણી જૂથે આપી આ પ્રતિક્રિયા
યુએસ અધિકારીઓના જણાવ્યા મુજબ ગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર ભારતીય સરકારી અધિકારીઓને લાંચમાં $265 મિલિયન (અંદાજે રૂ. 2,200 કરોડ) આપવાનો આરોપ છે. જો કે, અદાણી જૂથે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તે કાનૂની વિકલ્પોનો આશરો લેશે. આ પહેલા કેન્યાના ઉર્જા મંત્રી ઓપિયો વેન્ડીએ કહ્યું હતું કે ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટમાં કોઈ લાંચ કે ભ્રષ્ટાચાર થયો નથી. કેન્યાના આ પગલાને અદાણી ગ્રુપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
Source link