SPORTS

T20 વર્લ્ડ કપની સૌથી મોટી જીત, ભારતની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવિત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એકતરફી મેચમાં શ્રીલંકાને 82 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. પ્રથમ બેટિંગ કરતા હરમનપ્રીત એન્ડ કંપનીએ સ્કોર બોર્ડ પર 3 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીતનું બેટ જોરદાર ચાલ્યું હતું અને તેણે 27 બોલમાં 52 રનની તોફાની ઇનિંગ રમી હતી.

જ્યારે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પણ બેટથી ધૂમ મચાવી હતી. બોલિંગમાં રેણુકા સિંહે બે વિકેટ લીધી, જ્યારે અરુંધતિ અને આશાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. T20 વર્લ્ડ કપમાં રનના મામલે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.

શ્રીલંકા ઘૂંટણિયે પડી ગયું

173 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ કોઈ પણ સમયે સારી સ્થિતિમાં દેખાતી ન હતી. ઈનિંગની પહેલી જ ઓવરમાં રેણુકા સિંહે વિશ્મી ગુણારત્નેને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી આગામી ઓવરમાં રેણુકાએ કેપ્ટન ચમારી અટવાપટ્ટુને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. શ્રીલંકાની ટીમ ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ, કવિશા દિલહારી અને અનુષ્કાએ કોઈક રીતે ચોથી વિકેટ માટે 37 રનની ભાગીદારી કરી હતી. જો કે, બન્ને પેવેલિયન પરત ફર્યા બાદ શ્રીલંકાની આખી ટીમ 90 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

શેફાલી-મંધાનાએ વિસ્ફોટક શરૂઆત

શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બન્નેએ મળીને પ્રથમ વિકેટ માટે 12.4 ઓવરમાં 98 રન બનાવ્યા હતા. શેફાલીએ 40 બોલમાં 43 રન બનાવ્યા હતા, જ્યારે મંધાનાએ 38 બોલમાં 50 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ પછી હમનપ્રીત કૌરે ચાર્જ સંભાળ્યો અને શ્રીલંકાના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. હરમને 27 બોલમાં 52 રનની અણનમ ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને એક ગગનચુંબી સિક્સર ફટકારી હતી.

સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત

ટી 20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ હરમનપ્રીતે પોતાના નામે કર્યો હતો. છેલ્લી ઓવરોમાં જેમિમાહ રોડ્રિગ્સે 10 બોલમાં 16 રન બનાવ્યા હતા. શ્રીલંકા સામેની જીત સાથે ભારતીય ટીમે સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. હરમનપ્રીત એન્ડ કંપની હવે નેટ રન રેટના મામલે ન્યૂઝીલેન્ડને પાછળ છોડી દીધી છે. જો કે, ટીમ ઈન્ડિયાને છેલ્લી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પણ મોટી જીતની જરૂર પડશે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button