- રાજ્યમાં 3,610 કિલોમીટર રસ્તાઓમાં નુકસાન
- 139 કિલોમીટરના નેશનલ હાઈવેને નુક્સાન
- રસ્તાઓનું કામ યુદ્ધના ધોરણે કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી સૂચના
રાજ્યમાં વરસેલા ભારેથી અતિભારે વરસાદને પગલે મોટુ નુકસાન થયુ છે અને અનેક લોકોના ઘરોમાં 5થી 8 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે ઘરવખરીનો તમામ સામાન પણ પાણીમાં પલટીને બગડી ગયો છે, જેના કારણે લોકોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા રાજ, વાહનચાલકોને ભારે હાલાકી
ત્યારે રાજ્યમાં પણ 3,610 કિલોમીટરના રસ્તાઓને નુકસાન થયુ છે અને પાણી ભરાઈ જવાના કારણે આ તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને તુટી ગયા છે, ત્યારે ઘણા વિસ્તારમાં રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને મોટી હાલાકી પડી રહી છે અને ખાડાના કારણે લોકોને કમરમાં દુખાવાની પણ સમસ્યા થઈ છે.
15 દિવસમાં રસ્તાઓની મરામત કરી દેવા મુખ્યમંત્રીની સૂચના
આ સાથે જ રાજ્યમાં 139 કિલોમીટરના નેશનલ હાઈવેને પણ વરસાદના કારણે ભારે નુક્સાન પહોંચ્યુ છે. ત્યારે રસ્તાઓનું કામ યુદ્ધના ધોરણે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વરસાદના કારણે તુટેલા રોડની મરામત 15 દિવસમાં કરી દેવા સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે વડોદરા, વાપી, રાજકોટ, જેતપુર, ચિલોડા, હિંમતનગર અને અન્ય રસ્તાઓનું કામ પણ યુદ્ધના ધોરણે કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
ચાણસ્માથી મહેસાણાને જોડતા નેશનલ હાઈવ પર 32 કિલોમીટરનો રોડ બિસ્માર હાલતમાં
પાટણ જિલ્લામાં અવિરત 5 દિવસ સુધી વરસાદ ખાબકવાની સાથે જ તંત્રની મોટી પોલ ખુલ્લી પડી છે અને રોડ-રસ્તા ધોવાઈ જતા તંત્રની નબળી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પણ બહાર આવ્યું છે. તમને જણાવી દઈએ કે ચાણસ્માથી મહેસાણાને જોડતા નેશનલ હાઈવ પર 32 કિલોમીટરનો રોડ બિસ્માર બનતા વાહન ચાલકોને મોટી હાલાકી ભોગવવી પડી રહી છે.
રાજ્યના અનેક વિસ્તારના રોડ ધોવાયા
આ સિવાય પણ રાજ્યના અનેક વિસ્તારના રોડની હાલત પણ કંઈક આવી જ છે અને વરસાદી પાણીના કારણે રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા છે અને તેના કારણે ધૂળ ઉડવાની પણ મોટી સમસ્યા સર્જાય છે અને તેના કારણે ટુ-વ્હીલર ચાલકોને વ્હીકલ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે બીજી તરફ રસ્તાઓ ધોવાઈ જવાના કારણે મોટા વાહનચાલકોના ટાયરને નુકસાન થાય છે અને અનેક ગાડીઓના ટાયર ફાટી જવાની સમસ્યાઓ પણ સામે આવી છે.
Source link