NATIONAL

BJPએ તેના તમામ લોકસભા સાંસદો માટે જાહેર કર્યુ વ્હીપ, જાણો કારણ

કેન્દ્ર સરકાર આવતીકાલે એટલે કે મંગળવારે લોકસભામાં ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ રજૂ કરી શકે છે. ત્યારે ભાજપે તેને લઈને તેની પાર્ટીના તમામ લોકસભા સાંસદો માટે વ્હીપ પણ જાહેર કર્યુ છે. પાર્ટીએ તેના તમામ સાંસદોને આવતીકાલે ગૃહમાં ફરજીયાતપણે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે, અગાઉ એવી ચર્ચા હતી કે સરકાર આજે એટલે કે સોમવારે ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ રજૂ કરશે, પરંતુ કેટલાક કારણોસર તેને સ્થગિત કરવામાં આવ્યું.

બિલને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું

લોકસભામાં આવતીકાલના એજન્ડાના સુધારેલા એજન્ડા સામે આવ્યા બાદ બિલને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ બિલને ગયા શુક્રવારે લોકસભાની બિઝનેસ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે તમામ સાંસદોને બિલની કોપી વહેંચવામાં આવી હતી, પરંતુ બાદમાં આ બિલને લોકસભાની રિવાઇઝ્ડ બિઝનેસ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.

બિલની રજૂઆત પછી તરત જ JPCની રચના થઈ શકે

સૂત્રોના જણાવ્યા અનુસાર બિલની રજૂઆત અને વિગતવાર ચર્ચા અને સર્વસંમતિ માટે જેપીસીને મોકલી શકાય છે. જો ગૃહમાં તેની માગણી કરવામાં આવે તો સરકારને આ બિલને સંસદીય સમિતિને મોકલવામાં કોઈ વાંધો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે જ જેપીસીની રચના કરી દેવામાં આવશે, જેમાં ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષોના સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વન નેશન વન ઈલેક્શનને લઈને એનડીએના તમામ ઘટક પક્ષો સાથે ચર્ચા થઈ છે અને તમામ પક્ષો તેના પક્ષમાં છે.

વન નેશન વન ઈલેક્શન એટલે શું?

તમને જણાવી દઈએ કે દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવાની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આના પક્ષમાં છે. વન નેશન વન ઈલેક્શનનો મતલબ એ છે કે લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ કરાવવામાં આવે. આ ઉપરાંત સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ એક સાથે યોજવી જોઈએ. વડાપ્રધાન મોદી પણ આ લાગુ કરવાના પક્ષમાં છે અને અનેક પ્રસંગોએ તેની વાત પણ કરી ચૂક્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button