બોડેલી વનવિભાગ અને બોડેલી વાઈલ્ડ લાઈફ્ ટ્રસ્ટના સદસ્યો દ્વારા દુર્લભ જાતિઓમાં આવતા સર્પ સહિત અન્ય સર્પો અને અજગરને આસપાસના ગામોમાં રહેણાંક વિસ્તારમાંથી ઝડપીને તેમને સુરક્ષિત સ્થળોએ છોડી મૂકવામાં આવ્યા હતા.
દિવાળી પર્વને મનાવવા માટે બોડેલી તાલુકાની પ્રજામા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બોડેલી તાલુકાના તાંદલજા ગામે એક ખેડુતના ખેતરના વાડાના ભાગમાં ઝાડી ઝાંખરામા લપાઈ છુપાઈને બેઠેલા દશ ફુટનો મહાકાય અજગર જોવા મળતા ગ્રામજનોએ બોડેલી વનવિભાગના આરએફ્ઓ જે.કે.સોલંકી અને ફોરેસ્ટ મંગુભાઈ બારીયાને મોબાઈલ દ્વારા જાણ કરતા બોડેલી વનવિભાગના અધિકારીઓ અને બોડેલી વાઈલ્ડ લાઈફ્ ટ્રસ્ટના સદસ્યોએ ભારે જહેમત બાદ અજગરને સિફ્તપૂર્વક પકડી લીધો હતો. તેમજ જબુગામ મુકામે આવેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોગ્ય વિભાગના પેટા આરોગ્ય કેન્દ્રના કંપાઉન્ડમા ચાર ફુટનો કોબ્રા સાપ અને પ્રાથમિક શાળા વિસ્તારમાં ત્રણ ફુટનો રસેલ વાઇપર (ખળ ચીતળ) સાપ જોવા મળતા જ નાસભાગ મચી જવા પામી હતી. જે અંગે સાપનું રેસ્કયુ વાઈલ્ડ લાઈફ્ના સદસ્યો દ્વારા કરાયું હતું. તેમજ બોડેલી તાલુકાના મુઠઈ વસાહતના રહેણાંક મકાનમાં એક પાંચ ફુટ લાંબો ઝેરી કોબ્રા સાપને વાઈલ્ડ લાઈફ્ ટ્રસ્ટના સદસ્ય મનોજભોઈ અને માઈકલ બારીયાએ ભારે જહેમત બાદ ઝડપી પાડયો હતો. આમ વાઈલ્ડ લાઈફ્ ટ્રસ્ટ બોડેલીના સદસ્યો રાત દિવસ દુર્લભ પ્રજાતિના સર્પોને રહેણાંક વિસ્તારમાંથી બચાવીને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સફ્ળતા પૂર્વક છોડી દઈને એક પ્રકારની પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.
ત્યારે બોડેલી વનવિભાગ અને બોડેલી વાઈલ્ડ લાઈફ્ ટ્રસ્ટના સદસ્યો ઘણા લાંબા સમયથી રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા સરીસૃપોને પકડી જાંબુઘોડા અભયારણ્ય જંગલ વિસ્તારમાં સિફ્તપૂર્વક પકડી છોડી મુકવાની કામગીરી કરી રહ્યા છે. જેમાં આજુબાજુના ગામડાઓની જ જાગૃત પ્રજાનો સહકાર મળી રહ્યો છે.
Source link