આપણે જોઇએ છીએ સમાચારમાં કે એરલાઇન્સમાં બોમ્બ હોવાની ધમકી અને બ્લાસ્ટ કરવાની ધમકીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. આજે પણ 20 ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી. વળી દિલ્હીની સીઆરપીએફ સ્કૂલની બહાર જ બ્લાસ્ટ થયો. તે ઘટનાને લઇને પણ તપાસ ચાલી રહી છે. હજી તો આ મામલે કોઇ કડી મળી નથી ત્યાં જ દેશભરની સીઆરપીએફ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે.
સવારે 11 વાગ્યા સુધી કર્યા ઇમેઇલ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે દેશની અનેક સ્કૂલોને મેઇલ મળ્યા હતા. જો કે તપાસ બાદ શાળાઓમાંથી કંઇ મળી આવ્યું નથી. મેઇલ મોકલનારે સવારે 11 વાગ્યા સુધી સીઆરપીએફ સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી આપી હતી. મેઇલ મોકલનારે પૂર્વ ડીએમકે લીડર ઝફર સાદિકની ધરપકડનો ઉલ્લેખ કર્યો હતો જેને એનસીબી અને ત્યારબાદ ઇડીએ એરેસ્ટ કર્યો હતો.
દિલ્હીમાં થયો હતો બ્લાસ્ટ
મહત્વનું છે કે રવિવારે દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્કૂલની દિવાલ પાસે વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના દુકાનોમાં કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટના કારણે સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા અને નજીકમાં પાર્ક કરેલા વાહનોના કાચ તૂટી ગયા હતા. ઘટના સ્થળેથી ‘વ્હાઈટ પાવડર’ મળી આવ્યો હતો. ઘટનાને પગલે દિલ્હી પોલીસ, એનઆઇએની ટીમ પણ તપાસમાં જોડાઇ છે.
દિલ્હીમાં વધારી સુરક્ષા
મહત્વનુ છે કે દિલ્હીમાં જે બે CRPF શાળાઓને બોમ્બની ધમકીઓ મળી હતી, તેમાંથી એક રોહિણી અને બીજી દ્વારકામાં છે. રોહિણીના પ્રશાંત વિહારમાં થયેલા વિસ્ફોટ સાથે આ મેઈલનો કોઈ સંબંધ નથી. જો કે આ ધમકી બાદ CRPFએ તેની તમામ શાળાઓને એલર્ટ રહેવા માટે કહ્યું છે. દિલ્હી પોલીસે સીઆરપીએફ સ્કૂલોની બહાર પણ સુરક્ષા વધારી દીધી છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Source link