નવું વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે અયોધ્યા શ્રાદ્ધાળુઓ અને પર્યટકોના ધસારાને આવકારવા માટે તૈયાર થઈ રહ્યું છે. આ વર્ષે 22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ ત્યાર બાદ આ પ્રથમ નવું વર્ષ આવી રહ્યું છે. અયોધ્યા અને તેની નજીકમાં આવેલા ફૈઝાબાદમાં લગભગ તમામ હોટલો અને ગેસ્ટહાઉસના બુકિંગ ફુલ થઈ ગયા છે ત્યારે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે દર્શનના સમયમાં વધારો કરાયો છે અને મોટી ભીડ આવે તેવી અપેક્ષાને જોતા સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં સ્થાનિક હોટલના માલિક અંકિત મિશ્રાએ જણાવ્યું હતું કે અમે આ વર્ષે શ્રાદ્ધાળુઓને આવકારવા માટે તૈયાર છીએ. આગામી 15 જાન્યુઆરી સુધી અમારા તમામ રૂમ બુક થઈ ગયા છે. શનિવારે સવારે જ્યારે ઓનલાઇન બુકિંગ પ્લેટફોર્મ્સ પર રૂમની ઉપલબ્ધતા ચકાસવામાં આવી ત્યારે કેટલીક હોટલો તેમજ લોજમાં રૂમ ખાલી બતાવાતા હતા જોકે, હોટલ્સ દ્વારા શ્રાદ્ધાળુઓની ભીડમાં વધારો જોતા એક રાત્રીના 10 હજાર સુધીની રકમ ભાડા પેટે વસૂલવામાં આવી રહી છે.
ચુસ્ત સુરક્ષા-વ્યવસ્થા ખડકવામાં આવશે
અયોધ્યાના એસએસપી રાજકરમ નૈયરે જણાવ્યું હતું કે નવા વર્ષ પર સ્મુથ ક્રાઉડ મેનેજમેન્ટ તેમજ સુરક્ષા માટે રામમદિર, હનુમાન ગઢી, લતા ચોક, ગુપ્તાર ઘાટ, સૂરજકુંડ અને અન્ય લોકપ્રિય સ્થળો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભીડની સંભાવનાને જોતા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને 30 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ બે અઠવાડિયા દરમિયાન પર્યટકો અને શ્રાદ્ધાળુઓની સંખ્યામાં ભારે વધારો થવાની અપેક્ષા સેવાઈ રહી છે.
Source link