ભારત સરકારના રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા (ઉપભોક્તા બાબતો,ખાદ્ય અને સાર્વજનીક વિતરણ મંત્રાલય અને સાંસદ ભાવનગર)ના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લાની ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(“દિશા”) કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં બોટાદ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
સ્વસહાય જૂથની યોજના
આ બેઠકમાં અધિકારીઓએ તેમના વિભાગની કામગીરીની વિગતો અંગેનો પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરતા વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભ તમામ જરૂરીયાતમંદો નાગરિકોને સમયસર મળી રહે તે સુનિશ્વિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રોજેક્ટ ડ્રોન દીદી અને લખપતિ દીદી અન્વયે જિલ્લામાંથી વધુને વધુ બહેનો લખપતિ દીદી અને ડ્રોન દીદી બને તે માટે મંત્રીશ્રી દ્વારા આહ્વાન કરાયું હતું. તેમજ ધાર્મિક મેળાઓ અને અન્ય આયોજનોમાં સ્વસહાય જૂથની બહેનોને ખાસ પ્રાધાન્ય આપવા અધિકારીઓને સૂચિત કરાયા હતા.
અલગ-અલગ મુદ્દે કરાઈ ચર્ચા
દિશા બેઠકમાં મંત્રીએ મનરેગા, દીન દયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ, ખેતી, સિંચાઈ સહિત વિવિધ વિભાગની કલ્યાણકારી યોજનાઓને લગતા પ્રશ્નો અને રજૂઆતની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને પ્રાકૃતિક ખેતીથી થતાં ઉત્પાદનો વેચાણ માટે પ્રોત્સાહન મળે તેવા પગલાંઓ લેવા અધિકારીઓ સાથે પરામર્શ કરાયો હતો.
લાભાર્થીઓને લાભ મળવો જરૂરી
ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અક્ષય બુડાનિયાએ મંત્રીને તમામ માહિતીથી વાકેફ કર્યા હતા. મંત્રીએ બોટાદ જિલ્લામાં સમગ્ર શિક્ષા- RTE અંતર્ગત 100 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા બદલ શિક્ષણ વિભાગની કામગીરી બિરદાવી હતી.દિશા કમિટીની આ બેઠકમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળી રહે તે દિશામાં પ્રયાસ અંગે ચર્ચા કરાઇ હતી.
અધિકારીઓ રહ્યાં હાજર
વધુમાં તાલુકામાં માળખાકીય સુવિધાઓ અને વિકાસનાં કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં તમામ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. ડી.આર.ડી.એ. નિયામક ભાર્ગવભાઈ પટેલ દ્વારા જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસકાર્યો વિશે વિસ્તૃત જાણકારીથી કેન્દ્રીય મંત્રીને વાકેફ કર્યા હતા.બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા, નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાત, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી સહિત દિશા સમિતિના અન્ય સભ્યો, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Source link