એશિયન બજારોમાં મંદી વચ્ચે હેવિવેઇટ મેટલ અને આઇટી સ્ટોક્સમાં વેચવાલીને પગલે ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો આજે ઘટીને બંધ રહ્યા હતો. લાર્જ કેપ શેરોથી વિપરીત મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી અને એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સે તો આજે નવી વિક્રમી ટોચ બનાવી હતી. વિશ્વના બજારોમાં કોમોડિટીના ભાવમાં મંદી વચ્ચે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા બજારમાં મંદી રહી હતી.
પ્રારંભે 133 પોઇન્ટ નીચમાં ખુલ્યા પછી સેન્સેક્સે આજે ઇન્ટ્રા ડેમાં અફરાતફરીભર્યા માહોલ વચ્ચે 82,116ની હાઇ અને 81,551ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 565 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 384 પોઇન્ટ એટલે કે 0.47 ટકા ઘટીને 81,748ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ આજે પ્રારંભે 15 પોઇન્ટ નીચમાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 24,781ની હાઇ અને 24,601ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 180 પોઇન્ટની વધઘટ પછી નિફ્ટી 100 પોઇન્ટ એટલે કે 0.40 ટકા ઘટીને 24,668ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ કેપથી વિપરીત આજે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી. દિવસને અંતે બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 350 પોઇન્ટ એટલે કે 0.73 ટકા વધીને 48,126ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ 270 પોઇન્ટ એટલે કે 0.47 ટકા વધીને 57,227ની સપાટીએ બંધ રહ્યો હતો.
એસએમઇ આઇપીઓ શેરોમાં આજે નોંધપાત્ર તેજી જોવા મળી હતી. આજે દિવસ દરમિયાન બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સે 1,16,218ની નવી વિક્રમી ટોચ બનાવી હતી, જે અગાઉની 1,14,991ની વિક્રમી ટોચથી 1,227 પોઇન્ટ વધારે છે. દિવસને અંતે પણ આ ઇન્ડેક્સ 1,400 પોઇન્ટ એટલે કે 1.23 ટકા વધીને 1,15,187ની સપાટીએ બંધ રહ્યો હતો, જે તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. દિવસ દરમિયાન આ ઇન્ડેક્સમાં 2,276 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,240 શેર પૈકી 2,276 શેર વધીને, 1,869 શેર ઘટીને અને 95 શેર ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા.
બીએસઇનું એમ કેપ આજે રૂ. 460.06 લાખ કરોડ એટલે કે 5.42 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે શુક્રવારના રૂ. 459.42 લાખ કરોડના સ્તરથી રૂ. 64,000 કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 શેરો પૈકી 6 શેર અને નિફ્ટીના 50 પૈકી 9 શેર આજે વધીને બંધ રહ્યા હતા. ડો. રેડ્ડીઝ લેબ 1.74 ટકા અને ઇન્ડસઇન્ડ બેંક 1.28 ટકા વધ્યો હતો, જ્યારે ટાઇટનમાં 2.04 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી નવ વધીને અને પાંચ ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી રિઆલ્ટીમાં 3.10 ટકાનો અને મિડિયામાં 1.45 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી આઇટી 0.74 ટકા અને મેટલ 0.97 ટકા ઘટયો હતો.
એફઆઇઆઇની રૂ. 278 કરોડની નેટ વેચવાલી
એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 278 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ પણ રૂ. 234 કરોડની નેટ વેચવાલી કરી હતી. આ સાથે ડિસેમ્બરમાં એફઆઇઆઇએ કરેલો નેટ લેવાલીનો આંકડો ઘટીને રૂ. 11,428 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો ઘટીને રૂ. 4,438 કરોડ થાય છે.
વોલેટાલિટી ઇન્ડેક્સમાં 7.41 ટકાનો વધારો
આજે વોલેટાલિટી ઇન્ડેક્સ 7.41 ટકા વધીને ફરી 14ને પાર કરી 14.2ના સ્તરે પહોંચ્યો હતો. ઇન્ટ્રા ડેમાં તો એક સમયે આ ઇન્ડેક્સ 10.8 ટકા વધીને 14.47ની સપાટીએ પહોંચી ગયો હતો. નિષ્ણાતોના મતે વિશ્વની અનેક મધ્યસ્થ બેંકો તેમની મોનેટરિ પોલિસી જાહેર કરવાની છે અને બજારમાં ચોક્કસ સેગમેન્ટમાં ગમે ત્યારે વેચવાલી આવે છે અને ઘટયા મથાળે લેવાલી પણ નીકળે છે તેના કારણે વોલેટાલિટી ઇન્ડેક્સ આટલો ઊંચો ગયો હતો.
Source link