BUSINESS

Business: સોનામાં વિક્રમની હેટ્રિક નોંધાઈ, ભાવ 79,800ની નવી ઊંચાઈએ પહોંચ્યા

વૈશ્વિક સેન્ટિમેન્ટ પાછળ સ્થાનિક સ્તરે સોનાના ભાવે સતત ત્રીજા દિવસે વિક્રમી સપાટી બનાવી છે. US ઈકોનોમીક કન્ડિશન અને જોબ ડેટા નબળા આવ્યા બાદ નવેમ્બરમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી સંભાવનાઓ વધી છે. બીજી તરફ્ બોન્ડ યીલ્ડ અને ઇક્વિટી માર્કેટમાં નબાલાઇન પાછળ સોનામાં સલામત રોકાણ માટે રોકાણકારોનો રસ વધ્યો છે. પશ્ચિમ એશિયાનું ટેન્શન પણ યથાવત હોવાથી તેજીને ટેકો મળી રહ્યો છે, જેથી વૈશ્વિક સોનું પણ તેની નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.

અમદાવાદ ખાતે શુક્રવારે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 500 વધીને રૂ. 79,800ની નવી ઊંચાઈએ પહોંચ્યું છે. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 79,600 પ્રતિ 10 ગ્રામ થયું હતું. સ્થાનિક ચાંદી રૂ. 500 વધીને રૂ. 92,500 પ્રતિ કિલો થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 2,688 ડોલર સામે 22 ડોલર વધીને 2,710 ડોલર પ્રતિ ઔંસની ઓલ ટાઈમ હાઇની સપાટીએ પહોંચી ગયું છે. વૈશ્વિક ચાંદી 31.83 ડોલરથી 30 સેંટ વધીને 32.13 ડોલર પ્રતિ ઔંસ થઈ છે.

શુક્રવારે મોડી સાંજે કોમેક્સ સોનું 14.50 ડોલર વધીને 2,722 ડોલરની નવી ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ સોનાએ 2732.30 ડોલરનો ઓલ ટાઈમ હાઇ બનાવ્યો હતો. કોમેક્સ ચાંદી 68.60 સેંટ વધીને 32.46 ડોલરની સપાટીએ વેચાઈ રહી હતી. વાયદામાં MCX સોનાનો ડિસેમ્બર વાયદો રૂ. 443 વધીને રૂ. 77,107 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેમજ MCX ચાંદી ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1,796 ઊંચકાઈને 91,744 પ્રતિ કિલો થયો હતો.

કોમોડિટી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ કાપની અપેક્ષા અને US પ્રમુખપદની ચૂંટણી અંગેની અનિશ્ચિતતાએ કીમતી ધાતુઓની માંગમાં વધારો કર્યો છે. વધુમાં, યુરોપિયન સેન્ટ્રલ બેન્કે (ECB) તેના મુખ્ય દરોમાં 25 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જે ડિસફ્લેશન પ્રક્રિયામાં પ્રગતિ દર્શાવે છે. ચીનના મૂડીબજારોમાં જોખમ ટાળવા બુલિયનમાં રોકાણકારોનો રસ વધ્યો છે.

ભારતમાં, ફિઝિકલ ગોલ્ડ ડીલરોએ તહેવારોની માંગને કારણે બે મહિનામાં પ્રથમ વખત પ્રીમિયમ વસૂલ્યું હતું, જેમાં ગયા સપ્તાહના 21 ડોલર ડિસ્કાઉન્ટની સરખામણીમાં પ્રીમિયમ પ્રતિ ઔંસ 3 ડોલર સુધી પહોંચી ગયું હતું. બીજી તરફ્ સ્થાનિક સોના-ચાંદીમાં એકધારો ભાવ વધારો થવાના પગલે તહેવારોમાં ઘરેણાંની માંગ ઓછી રહેવાની ધારણા મુકાઇ રહી છે. ચાલુ સપ્તાહે સોનાના ભાવમાં રૂ. 1,300 અને ચાંદીના ભાવમાં રૂ. 1,000નો વધારો થયો છે.

વર્ષ 2024માં સોનાએ પહેલેથી જ 22%થી વધુ વળતર આપ્યું છે, અને દિવાળી-થી-દિવાળીના ધોરણે, વળતર લગભગ 30% સુધી પહોંચી ગયું છે. જ્યાં સુધી વ્યાજદરમાં કાપની અપેક્ષાઓ અને જીઓ-પોલિટિકલ તણાવ યથાવત રહેશે ત્યાં સુધી સોના માટેનો બુલિશ અંદાજ અકબંધ રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button