વિતેલા બે- ત્રણ દિવસોના ઘટાડા બાદ સપ્તાહના પહેલા દિવસે સોના અને ચાંદીમાં નીચલા મથાળે સટ્ટાકીય લેવાલી જોવા મળી હતી. અલબત્ત, રોકાણકારોની નજર આગામી 17-18 ડિસેમ્બરે મળનારી ફેડરલ રિઝર્વની બેઠક ઉપર હોય ભાવ વધારો મર્યાદિત રહ્યો હતો.
વૈશ્વિક સેન્ટિમેન્ટ પાછળ સ્થાનિક સ્તરે પણ સોના અને ચાંદીમાં ધીમી ગતિએ ભાવ વધ્યા હતા. અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 300 વધીને રૂ. 79,300 થયું હતું. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 79,100 પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. ચાંદીમાં ભાવ રૂ. 1,000 વધીને રૂ. 90,500 પ્રતિ કિલો થયા હતા. આંતરાષ્ટ્રીય બજારમાં સોનું 2,644 ડોલર સામે 16 ડોલર વધી 2,660 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. વૈશ્વિક ચાંદી 30.57 ડોલરથી વધીને 30.65 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
વાયદામાં MCX ઉપર સોનાનો ફેબ્રુઆરી વાયદો રૂ. 139 વધી રૂ. 77,136 પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદી માર્ચ કોન્ટ્રાક્ટ રૂ. 226 વધી રૂ. 91,001 પ્રતિ કિલો થયો હતો. સોમવારે મોડી સાંજે કોમેક્સ સોનું 5.30 ડોલર સુધરી 2,681.10 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 11.2 સેંટ વધી 31.14 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.
બુલિયન વિશ્લેષકોએ જણાવ્યું કે, ગત સપ્તાહના ઘટાડા બાદ બુલિયનમાં નીચલા મથાળે થોડી ખરીદી રહેતા ભાવો સામાન્ય વધ્યા હતા. જોકે, બુધવારે યુ.એસ. ફેડરલ રિઝર્વ, ત્યારબાદ ગુરુવારે બેંક ઓફ્ જાપાન, બેંક ઓફ્ ઇંગ્લેન્ડ અને શુક્રવારે ચીનની સેન્ટ્રલ બેન્કની પોલિસી મીટિંગના પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે માર્કેટમાં થોડું કોન્સોલિડેશન જોવા મળી શકે છે. આ ઉપરાંત યુકે, યુરો ઝોન, જાપાન, USના ફુગાવાના આંકડા આવશે. નવા વર્ષ 2025માં તમામ કેન્દ્રીય બેંકોના ફેરવર્ડ ગાઇડન્સ પર નજીકથી નજર રાખવામાં આવશે. આ બધાના કારણે સોનાના ભાવમાં સ્થિર વેપાર થવાની સંભાવના છે.
Source link