BUSINESS

Business: ભારતને 14.6 અબજ ડોલરથી વધુની અધિક ડયૂટી ચૂકવવી પડશે

જો અમેરિકા 20 ટકા ટ્રેડ ટેરિફ લાગુ કરશે તો ભારતને 14.6 અબજ ડોલરથી વધુની અધિક ડયૂટીનો સામનો કરવો પડશે, એમ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપે જણાવ્યું હતું. ભારતની સાથે આશિયાન ક્ષેત્રને પણ વર્તમાન રાજકીયભૌગોલિક પરિવર્તનની સૌથી વધુ અસર થઈ છે.

બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (બીસીજી)ના અહેવાલ મુજબ, ભારતનો વેપાર વર્ષ 2033 સુધીમાં 1.8 લાખ કરોડ ડોલર સુધી પહોંચતાં પ્રભાવશાળી 6.4 ટકા વાર્ષિક દરે વૃદ્ધિ થવાની આગાહી છે. ભારત જીડીપી અને વેપાર બંનેમાં 6.4 ટકાના અંદાજિત વાર્ષિક વૃદ્ધિ દર સાથે વૈશ્વિક વેપારમાં તેની ભૂમિકાને ફરીથી નિર્ધારિત કરવા માટે તૈયાર છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

વર્ષ 2023માં ભારતમાંથી અમેરિકાની આયાત કુલ 84 અબજ અમેરિકન ડોલર હતી. અને ભારતને ત્રણ ટકાના નીચા અસરકારક યુએસ ટેરિફ દરનો ફાયદો થયો હતો. 20 ટકા ટેરિફનો નિર્ણય ભારતની બાયોફાર્મા અને ઓટો પાર્ટસની આયાતને સૌથી વધુ અસર કરશે. આ બંને ક્ષેત્રો પર આયાત દર ત્રણ અબજ ડોલરથી વધુ વધી જશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2033 સુધીમાં વૈશ્વિક વેપાર 29 લાખ કરોડ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. પણ અમેરિકન વેપાર દરોને કારણે બિઝનેસ દ્રષ્ટિકોણમાં નાટકીય વળાંત આવી શકે છે. ગ્લોબલ સાઉથ જેમાં 133 વિકાસશીલ રાષ્ટ્રોનો સમાવેશ થાય છે, તે વૈશ્વિક વેપારમાં વધુ અગ્રણી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ જૂથ હાલમાં વૈશ્વિક વેપારમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકા, મેક્સિકો અને કેનેડા એક સ્થિતિસ્થાપક વેપાર બ્લોક તરીકે મજબૂત બની રહ્યાં છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button