વૈશ્વિક બજારોના સાનુકૂળ સંકેતોને પગલે ઊંચામાં ખુલ્યા પછી એશિયાના અન્ય શેરબજારોને અનુસરીને આજે ભારતીય શેરબજારના સુચકાંકો ઘટીને બંધ રહ્યા હતા.
જે સાથે આજે સતત ત્રીજા સેશનમાં બજારમાં મંદી છવાઇ હતી. આજે વ્યાપક વેચવાલી જોવા મળી હતી અને ખાસ કરીને ઓટો, રિઆલ્ટી અને બેંકિગ શેરો દબાણ નીચે આવી ગયા હતા, જ્યારે આઇટી શેરોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી આજે ઇન્ટ્રા ડેમાં બે મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. પ્રારંભે 257 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સમાં લગભગ 10.45 સુધી આ જ સ્તર જોવા મળ્યું હતું. જોકે તે પછી ઘટાડાતરફી ચાલ શરૂ થઇ હતી. ઇન્ટ્રા ડેમાં 81,781ની હાઇ અને 80,905ની લો સપાટી બનાવ્યા પછી સેન્સેક્સ દિવસને અંતે 494 પોઇન્ટ એટલે કે 0.61 ટકા ઘટીને 81,006ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ દિવસ દરમિયાન આ સુચકાંકમાં કુલ 876 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી અને ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સે 81,000ની સપાટી પણ ગુમાવી હતી. બીજી તરફ નિફ્ટી પણ પ્રારંભે 56 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 25,029ની હાઇ અને 24,728ની લો સપાટી બનાવ્યા પછી અંતે નિફ્ટી 221 પોઇન્ટ એટલે કે 0.89 ટકા ઘટીને 24,749ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ દિવસ દરમિયાન નિફ્ટીમાં કુલ 301 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી અને નિફ્ટી 24,800થી નીચે બંધ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં તો બ્લડબાથ જેવી સ્થિતિ જોવા મળી હતી. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ અંતે 800 પોઇન્ટ એટલે કે 1.65 ટકા ઘટીને 47,844ની સપાટીએ બંધ રહ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 814 પોઇન્ટ એટલે કે 1.42 ટકા ઘટીને 56,589ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે BSE સ્જીઈ IPO ઇન્ડેક્સ 145 પોઇન્ટ એટલે કે 0.14 ટકા વધીને 1,02,621ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઇ પર ટ્રેડ થયેલા કુલ 4,064 શેર પૈકી 1,272 વધીને, 2,690 ઘટીને અને 102 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું સ્ કેપ આજે ઘટીને રૂ. 457.27 લાખ કરોડ એટલે કે 5.44 ટ્રિલીયન ડોલર થયું હતું, જે ગઇ કાલના રૂ. 463.29 લાખ કરોડના આંકથી રૂ. 6.02 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સિવાયના તમામ 13 ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. આ 13 ઇન્ડેક્સ પૈકીના 10 ઇન્ડેક્સ તો 1 ટકાથી પણ વધુ ઘટયા હતા.
બજાજ ઓટો 13 ટકા, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 3.54 ટકા તૂટયો । ગઇ કાલે બજાજ ઓટોએ અપેક્ષાથી ઊણાં ઉતરતા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા તે પછી આજે પણ બજાજ ઓટોમાં વેચવાલી ચાલુ રહી હતી. કંપનીનો ચોખ્ખો નફો બીજા ત્રિમાસિકમાં 9 ટકા વધીને રૂ. 2,005 કરોડ નોંધાયો હતો, જે બજારની ધારણાથી ઓછો હતો. કંપનીએ ટુ વ્હિલરના વેચાણના વૃદ્ધિદરનો અંદાજ પણ માત્ર 5 ટકા જ રાખ્યો હતો જેના કારણે પણ આ શેરમાં મંદી છવાઇ હતી. દિવસને અંતે બજાજ ઓટોનો શેર રૂ. 1,523 એટલે કે 13.11 ટકા ઘટીને રૂ. 10,093ની સપાટીએ બંધ રહ્યો હતો. આ અગાઉ ઇન્ટ્રા ડેમાં આ શેરે રૂ. 10,071ની લો સપાટી પણ બનાવી હતી. આ સિવાય નિફ્ટી ઓટો ઇન્ડેક્સના ઘટક તમામ શેરો પણ આજે 0.34 ટકાથી 4.58 ટકા જેટલા ઘટીને બંધ રહ્યા હતા, જેને પગલે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 3.54 ટકા ઘટીને બંધ રહ્યો હતો.
નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.19 ટકા વધ્યો
આજે વ્યાપકપણે તમામ ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી હતી, પરંતુ આઇટી ક્ષેત્રના શેરો તેમાંથી બાકાત રહ્યા હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સના 10 ઘટક શેરો પૈકી વિપ્રો 0.65 ટકા અને એલ એન્ડ ટી ટેકનોલોજી 1.90 ટકા ઘટીને બંધ રહ્યા હતા જ્યારે બાકીના તમામમાં વધારો નોંધાયો હતો. એમ્ફેસીસમાં 6.17 ટકાનો, ઇન્ફોસીસમાં 2.84 ટકાનો અને ટેક મહિન્દ્રામાં 2.81 ટકાનો વધારો નોંધાયો હતો. આના પગલે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ પણ 1.19 ટકા વધીને બંધ રહ્યો હતો.
Source link