રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટામાં દર્શાવવામાં આવ્યું હતું કે, ચાલુ વર્ષે એપ્રિલથી જુલાઈ સુધીના મહિનામાં ભારતમાં નેટ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)માં વધારો થયો હતો.
આ વધારા સાથે ભારતમાં એફડીઆઈનો નેટ આંકડો 5.5 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. ગત વર્ષે સમાન સમયમાં આ આંકડો 3.8 અબજ ડોલર હતો. ગ્રોસ ઈન્વર્ડ એફડીઆઈમાં સુધારાને કારણે આ વધારો નોંધાયો હતો. જેમાં વાર્ષિક ધોરણે 23.6 ટકાનો વધારો થયો હતો. આ આંકડો નાણાંકીય વર્ષ 2024-25ના પ્રથમ ચાર મહિનામાં 27.7 અબજ ડોલર રહ્યો હતો.
આરબીઆઈના ડેટા અનુસાર, ભારતમાં પ્રત્યક્ષ રોકાણ કરનારાઓનું રિપેટ્રિએશન અને ડિસ્ઈન્વેસ્ટમેન્ટ વધીને 15.9 અબજ ડોલર થયું હતું. આ આંકડો ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ચાર મહિનાનો છે. આ અગાઉ ગત વર્ષે સમાન સમયમાં આ આંકડો 14.7 અબજ ડોલરના સ્તરે હતો. મેન્યુફેકચરિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, કોમ્યુનિકેશન સર્વિસિસ, કોમ્પ્યૂટર સર્વિસિસ, ઇલેક્ટ્રિસિટી અને અન્ય એનર્જી સેક્ટર્સમાં કુલ એફડીઆઈ પૈકી 75 ટકા ઈનફ્લો જોવા મળ્યો હતો. આ 75 ટકા એફડીઆઈ મામલે સિંગાપોર, મોરેશિયસ, નેધરલેન્ડ્સ, અમેરિકા, બેલ્જિયમ, જાપાન ટોચ પર રહ્યા હતા, એમ આરબીઆઈના સ્ટેટ ઓફ ધી ઈકોનોમિ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.
નાણાંકીય વર્ષ 2023-24માં નેટ એફડીઆઈ ફ્લોમાં 9.8 અબજ ડોલરનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે આંકડો તેની અગાઉના વર્ષમાં 28 અબજ ડોલર હતો. નાણાંકીય વર્ષ 2021-22માં ભારતમાં નેટ એફડીઆઈ ફ્લોનો આંકડો 38.6 અબજ ડોલર રહ્યો હતો.
Source link