- યુએસ ફેડરલ આગામી મહિને વ્યાજદર ઘટાડે એવી શક્યતા
- પ્રબળ બનતા ભારત સહિતના વૈશ્વિક બજારોમાં તેજી
- M-કેપમાં1.28 લાખ કરોડનો વધારો : નિફ્ટી પરના 14 ક્ષેત્રિય સૂચકાંક પૈકી 8 વધ્યા, 6 ઘટયા
યુએસ ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સમાંથી આગામી મહિને વ્યાજદર ઘટાડવામાં આવે એવો સંકેત મળતાં એશિયા અને યુરોપના શેરબજારોમાં તેજી જોવા મળી હતી અને પરિણામે ભારતીય શેરબજારના સુચકાંકો પણ વધીને બંધ રહ્યા હતા.
વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 2.49 ટકા ઘટીને 13ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પરના 14 પૈકી 6 સેકટોરલ ઇન્ડેક્સ આજે ઘટીને બંધ રહ્યા હતા. ગઇ કાલે બેંકિગ અને ફાયનાન્સિયલ ક્ષેત્રના શેરોમાં મંદી પછી આજે તેજીનો પવન ફુંકાયો હતો, જેને પગલે નિફ્ટી બેંક ઇન્ડેક્સ 0.59 ટકા, ફાયનાન્સિયલ સર્વિસીસ 0.45 ટકા, પીએસયુ બેંક 0.67 ટકા અને પ્રાઇવેટ બેંક 0.57 ટકા વધ્યો હતો. આ ઉપરાંત એફએમસીજી શેરોમાં પણ આજે સતત બીજા દિવસે તેજી જોવા મળતાં એફએમસીજી ઇન્ડેક્સ 0.62 ટકા વધ્યો હતો. આ સિવાય ઓટો, આઇટી, મિડિયા, ફાર્મા, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 0.09 ટકાથી 0.23 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રારંભે 302 પોઇન્ટ ઊંચામાં 81,207ના મથાળે ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 81,236ની હાઇ અને 80,954ની લો સપાટી બનાવી હતી. દિવસ દરમિયાન કુલ 282 પોઇન્ટની વધઘટ પછી અંતે સેન્સેક્સ 148 પોઇન્ટ એટલે કે 0.18 ટકા વધીને 81,053ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ પ્રારંભે 93 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 24,867ની હાઇ અને 24,784ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 83 પોઇન્ટની વધઘટ પછી નિફ્ટી અંતે 41 પોઇન્ટ એટલે કે 0.17 ટકા વધીને 24,811ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ આજે પણ આઉટપર્ફોમન્સ કરવાનું ચાલુ રાખ્યું હતું. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 325 પોઇન્ટ એટલે કે 0.67 ટકા વધીને 48,643ની સપાટીએ બંધ રહ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સે આજે 55,773ની નવી વિક્રમી ટોચ બનાવી હતી અને દિવસને અંતે આ ઇન્ડેક્સ 261 પોઇન્ટ એટલે કે 0.47 ટકા વધીને 55,598ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં આજે પણ તેજી અકબંધ રહી હતી અને આ ઇન્ડેક્સે પણ આજે સતત બીજા દિવસે 1,06,433ની નવી ટોચ બનાવી હતી. દિવસને અંતે આ ઇન્ડેક્સ 1,610 પોઇન્ટ એટલે કે 1.54 ટકા વધીને 1,06,113ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,053 શેર પૈકી 2,451 વધીને, 1,513 ઘટીને અને 89 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. 342 શેરોએ આજે બાવન સપ્તાહની ટોચ બનાવી હતી, જ્યારે 15 શેર બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. 15 શેરમાં અપર સર્કિટ જ્યારે 3 શેરમાં લોઅર સર્કિટ લાગી હતી. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે વધીને રૂ. 460.52 લાખ કરોડ એટલે કે 5.49 ટ્રિલિયન ડોલરની સપાટીએ પહોંચ્યું હતું, જે ગઇ કાલના રૂ. 459.24 લાખ કરોડના આંકથી રૂ. 1.28 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 શેર પૈકી 17 અને નિફ્ટીના 50 પૈકી 27 શેર આજે વધીને બંધ રહ્યા હતા.
FIIએ રૂ. 1,371 કરોડની નેટ ખરીદી કરી
આજે એફઆઇઆઇએ પોતાનું વલણ બદલીને ભારતીય શેરબજારમાં રૂ. 1,371 કરોડની નેટ ખરીદી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 2,971 કરોડની નેટ ખરીદી કરી હતી. આ સાથે ઓગસ્ટ મહિનામાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો ઘટીને રૂ. 32,531 કરોડ થાય છે અને ડીઆઇઆઇની નેટ ખરીદીનો આંકડો રૂ. 44,183 કરોડ થાય છે. એફઆઇઆઇએ ઓગસ્ટ મહિનાના કુલ 14 સેશનમાંથી આજના સહિત કુલ માત્ર 4 સેશનમાં જ નેટ ખરીદી કરી છે.
Source link