વૈશ્વિક બજારોમાં ઘટાડને અનુસરી સુચકાંકો નીચામાં ખુલ્યા પછી કેટલીક અગ્રણી કંપનીઓના નબળા પરિણામ અને આગામી સમયગાળામાં પણ પરિણામો નબળા જ રહેશે એવી ભીતિએ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ ઘટીને બંધ રહ્યા હતા.
નિફ્ટીએ 25,000ની સપાટી ગુમાવી હતી. જોકે સ્મોલ કેપ શેરોમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. મંગળવારે સેન્સેક્સ 0.19 ટકા ઘટયો ત્યારે પણ સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.05 ટકા વધ્યો હતો, જે પછી આજે પણ સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી અને સેન્સેક્સમાં 318 પોઇન્ટના ઘટાડા સામે સ્મોલ કેપ ઇન્ડેક્સ 310 પોઇન્ટ વધ્યો હતો. પરિણામસ્વરૂપે હવે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સની બંધ સપાટી તેની 57,728ની ઓલટાઇમ હાઇ સપાટીથી માત્ર 252 પોઇન્ટ જ દુર બંધ છે. ગઇ કાલે મિડ કેપ શેરોમાં સામાન્ય તેજી જોવા મળી હતી પરંતુ આજે તો આ ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો તેમ છતાં સ્મોલ કેપ શેરો વધ્યા હતા. દરમિયાન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઇન્ફોસીસ જેવા શેરોમાં મંદી વચ્ચે એચડીએફસી બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બજારની ચાલથી વિપરીત જઇને વધીને બંધ રહ્યા હતા.
પ્રારંભે 174 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 81,932ની હાઇ અને 81,358ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 574 પોઇન્ટની વધઘટ પછી અંતે સેન્સેક્સ 318 પોઇન્ટ એટલે કે 0.39 ટકા ઘટીને 81,501ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ 49 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 25,093ની હાઇ અને 24,908ની લો સપાટી બનાવી હતી અને કુલ 185 પોઇન્ટની વધઘટ પછી અંતે 86 પોઇન્ટ એટલે કે 0.34 ટકા ઘટીને 24,971ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ નિફ્ટીએ 25,000નું સ્તર ગુમાવ્યું હતું. બ્રોડર માર્કેટમાં મિશ્ર ચાલ જોવા મળી હતી. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 49 પોઇન્ટ એટલે કે 0.10 ટકા ઘટીને 48,644ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 178 પોઇન્ટ એટલે કે 0.31 ટકા વધીને 57,403ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં પણ આજે સામાન્ય તેજી જોવા મળી હતી અને આ ઇન્ડેક્સ 310 પોઇન્ટ એટલે કે 0.30 ટકા વધીને 1,02,475ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇનું એમ કેપ નજીવું ઘટીને રૂ. 463.29 લાખ કરોડ એટલે કે 5.51 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇ કાલના રૂ. 463.86 લાખ કરોડના આંકથી રૂ. 57,000 કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી માત્ર પાંચ જ શેર જ્યારે નિફ્ટીના 50 પૈકી 16 શેર વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડાઇસિસ પૈકી માત્ર ત્રણમાં જ વધારો નોંધાયો હતો અને એક ફ્લેટ મથાળે બંધ રહ્યો હતો.
Source link