BUSINESS

Business: સેન્સેક્સ 584પોઇન્ટ,નિફ્ટી 217પોઇન્ટ વધીને બંધ રહ્યો,રોકાણકારોની સંપત્તિમાં રૂ.7.51લાખ કરોડનો વધારો

આજે પ્રારંભે ભારતીય શેરબજારના સુચકાંકો પૈકી સેન્સેક્સ ઘટીને જ્યારે નિફ્ટી નજીવો વધીને ખૂલ્યા હતા. પરંતુ જેમ જેમ સેશન આગળ વધ્યું એમ એમ એક્ઝિટ પોલના વર્તારાથી વિપરીત હરિયાણામાં સત્તા મેળવીને ભાજપે હેટ્રિક નોંધાવી તે બાબતને બજારે વધાવી લીધી હતી.

 ઇન્ડેક્સ હેવિવેઇટ રિલાયન્સમાં 2.01 ટકાનો અને એચડીએફસી બેંકમાં 1.95 ટકા વધારાને પગલે સેન્સેક્સ 584 પોઇન્ટ અને નિફ્ટી 217 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. પરિણામે બજારમાં છ સેશનથી ચાલતી મંદીનો અંત આવ્યો હતો. હવે આવતી કાલે આરબીઆઇ તેની મોનેટરિ પોલિસી કમિટિની બેઠકમાં લેવામાં આવનારા નિર્ણયોની જાહેરાત કરવાની છે તેની પર બજારની નજર છે. આરબીઆઇ આ વખતે પણ વ્યાજદર 6.5 ટકાના સ્તરે યથાવત રાખે એવી શક્યતા છે.

આજે પ્રારંભે સેન્સેક્સ 224 પોઇન્ટ નીચામાં 81,000થી નીચે 80,826ની સપાટીએ ખુલ્યો હતો. તે પછી ઇન્ટ્રા ડેમાં આ સુચકાંકે 81,763ની હાઇ અને 80,813ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 950 પોઇન્ટની ઉથલપાથલ પછી અંતે સેન્સેક્સ 584 પોઇન્ટ એટલે કે 0.72 ટકા વધીને 81,634ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી જોકે પ્રારંભે 37 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 25,044ની હાઇ અને 24,756ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 288 પોઇન્ટની વધઘટ પછી અંતે નિફ્ટી 217 પોઇન્ટ એટલે કે 0.88 ટકા વધીને 25,013ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં આજે તીવ્ર લેવાલી જોવા મળી હતી અને ઇન્ટ્રા ડેમાં 1,305 પોઇન્ટની ઉથલપાથલ પછી બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 872 પોઇન્ટ એટલે કે 1.86 ટકા વધીને 47,891ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 1,845 પોઇન્ટની ઉથલપાથલ પછી અંતે 1,322 પોઇન્ટ એટલે કે 2.44 ટકા વધીને 55,439ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ દિવસ દરમિયાન કુલ 3,803 પોઇન્ટની ઉથલપાથલ પછી 2,739 પોઇન્ટ એટલે કે 2.78 ટકા વધીને 1 લાખથી ઉપર 1,01,289ના મથાળે બંધ રહ્યો હતો. આજે બીએસઇ પર ટ્રેડ થયેલા કુલ 4,045 શેર પૈકી 3,024 વધીને, 923 ઘટીને અને 98 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ આજે વધીને રૂ. 459.50 લાખ કરોડ એટલે કે 5.47 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું જે ગઇ કાલના રૂ. 451.99 લાખ કરોડના આંકથી રૂ. 7.51 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 શેર પૈકી 19 શેર અને નિફ્ટીના 50 પૈકી 36 શેર આજે વધીને બંધ રહ્યા હતા. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 3.26 ટકા ઘટીને 14.59ના સ્તરે આવી ગયો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી એક માત્ર નિફ્ટી મેટલ ઇન્ડેક્સ સિવાયના તમામ ઇન્ડેક્સ 0.47થી 3.11 ટકા સુધી વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 0.93 ટકા ઘટયો હતો.

FIIની રૂ. 5,729 કરોડની નેટ વેચવાલી

આજે એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. 5,729 કરોડની નેટ વેચવાલી કરી હતી જ્યારે ડીઆઇઆઇએ રૂ. 7,000 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે ઓક્ટોબરના કુલ 5 સેશનમાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો વધીને રૂ. 44,740 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ ખરીદીનો આંકડો રૂ. 46,673 કરોડ થાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button