યુએસમાં ફુગાવાના આંકડાએ આગામી વર્ષે પણ વ્યાજદરમાં વધુ ઘટાડો થઇ શકે છે એવો સંકેત આપતા અને યુએસના પર્સનલ કન્ઝમ્પશન એક્સ્પેન્ડિચરના આંકડા ધાર્યા કરતા સારા આવતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું, જેને પગલે આજે એશિયન બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ તેજી છવાઇ હતી . પરિણામસ્વરૂપે ભારતીય બજારમાં છેલ્લા પાંચ સેશનથી સતત ચાલતી મંદી પર બ્રેક વાગી હતી. આજે સેન્સેક્સ 498 પોઇન્ટ વધીને જ્યારે નિફ્ટી 23,750થી ઉપર બંધ રહ્યો હતો. જોકે કોઇ મોટા ટ્રિગરના અભાવે આગામી સમયગાળામાં બજારમાં એકંદરે મંદીનો માહોલ જોવા મળશે અને બેઉતરફી વધઘટ ચાલુ રહેશે એમ નિષ્ણાતો જણાવે છે.
આજે બેંકિગ-ફાયનાન્સિયલ અને મેટલ શેરો તથા સેન્સેક્સ હેવિવેઇટ રિલાયન્સ અને એચડીએફસીની આગેવાનીમાં બજારની તેજીને બળ મળ્યું હતું.
આજે પ્રારંભે જ સેન્સેક્સ 447 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 78,918ની હાઇ અને 78,189ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 729 પોઇન્ટની વધઘટ પછી અંતે સેન્સેક્સ 498 પોઇન્ટ એટલે કે 0.64 ટકા વધીને 78,540ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ પ્રારંભે જ 251 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 23,869ની હાઇ અને 23,647ની લો સપાટી બનાવી હતી. આમ દિવસ દરમિયાન કુલ 222 પોઇન્ટની વધઘટ પછી અંતે નિફ્ટી 165 પોઇન્ટ એટલે કે 0.70 ટકા વધીને 23,753ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડ કેપ આજે તેજી તો જોવા મળી હતી પરંતુ તેજીની ગતિ લાર્જકેપની તુલનાએ ઓછી હતી, જ્યારે સ્મોલ કેપ શેરોમાં તો મંદીનો માહોલ આજે છઠ્ઠા સેશનમાં આગળ વધ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ આજે માત્ર 47 પોઇન્ટ એટલે કે 0.10 ટકા વધીને 46,274ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 331 પોઇન્ટ એટલે કે 0.60 ટકા ઘટીને 54,817ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં આજે નોંધાપાત્ર મંદી નોંધાઇ હતી અને ભારે અફરાતફરીના માહોલ વચ્ચે આ ઇન્ડેક્સ 1,676 પોઇન્ટ એટલે કે 1.49 ટકા ઘટીને 1,11,008ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,218 શેર પૈકી 1,636 વધીને, 2,542 ઘટીને અને 130 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. જોકે બ્રેથ નેગેટિવ રહી હોવા છતાં લાર્જ કેપમાં નોધપાત્ર તેજીને પગલે બીએસઇનું એમ કેપ આજે વધીને રૂ. 442.01 લાખ કરોડ એટલે કે 5.20 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે રૂ. 440.99 લાખ કરોડની તુલનાએ રૂ. 1.02 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 18 શેરો અને નિફ્ટીના 50 પૈકી 32 શેરો આજે વધીને બંધ રહ્યા હતા. જેએસડબ્લ્યુ સ્ટીલમાં 2.36 ટકાનો, આઇટીસીમાં 2.07 ટકાનો, હિંદાલકોમાં 1.87 ટકાનો, ટ્રેન્ટમાં 1.73 ટકાનો, ટેક મહિન્દ્રામાં 1.68 ટકાનો, એચડીએફસી બેંકમાં 1.63 ટકાનો, ઇન્ડસઇન્ડ બેંકમાં 1.58 ટકાનો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 1.33 ટકાનો, ટાઇટનમાં 1.16 ટકાનો અને એસબીઆઇમાં 1.04 ટકાનો વધારો નોંધાયો હતો. બીજી તરફ ઝોમેટો 2.82 ટકા અને હિરો મોટરકોર્પ 1.50 ટકા ઘટયો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી 11 વધીને જ્યારે 3 ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી બેંકમાં 1.10 ટકાનો, પીએસયુ બેંકમાં 1.08 ટકાનો અને રિઆલ્ટીમાં 1.47 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ઓટો 0.10 ટકા, મિડિયા 0.39 ટકા અને હેલ્થકેર 0.04 ટકા ઘટીને બંધ રહ્યો હતો.
વોલેટાલિટી ઇન્ડેક્સમાં એક જ દિવસમાં 10.30 ટકાનો ઘટાડો
વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 10.30 ટકા ઘટીને શુક્રવારના 15.07થી ઘટીને સીધો 13.52ની સપાટીએ ઘટી ગયો હતો. પાછલા સપ્તાહના પાંચ સેશનમાં વોલેટાલિટી ઇન્ડેક્સમાં કુલ 15.47 ટકાનો વધારો નોંધાયો હતો. હવે જ્યારે આજે એક જ દિવસમાં આ ઇન્ડેક્સ 10 ટકાથી પણ વધુ ઘટયો છે તે બાબત બજાર માટે સારો સંકેત છે કારણ કે વોલેટાલિટી ઇન્ડેક્સ બજારમાં અનિશ્ચિતતાનો માહોલ કેવો રહેશે એનો સંકેત આપે છે.
બજેટના દિવસે શનિવારે શેરબજારો ચાલુ રહેશે
પહેલી ફેબ્રુઆરી, 2025 શનિવારના રોજ કેન્દ્રિય બજેટ રજુ થવાનું હોવાથી બીએસઇ અને એનએસઇ આ દિવસે કામકાજના દિવસની જેમ જ લાઇવ ટ્રેડિંગ સેશન યોજશે. બજેટ દરમિયાન જે જાહેરાતો થાય તે મુજબ રોકાણકારો સમયસર નિર્ણય લઇને કામકાજ કરી શકે તે હેતુથી આ પ્રકારે શનિવારે પણ સેશન યોજવામાં આવનાર છે. અગાઉ ભૂતકાળમાં પણ શેરબજાર પર નોંધપાત્ર અસર કરી શકે એવા ઘટનાક્રમ આકાર લેવાના હોય ત્યારે શેરબજારો ચાલુ રહ્યા છે. જેમાં કે બજેટુ રજુ થવાનું હોવાથી 2020માં શનિવારે અને 2015માં રવિવારે શેરબજારો ચાલુ રહ્યા હતા.
એફઆઇઆઇની રૂ. 168 કરોડની નેટ વેચવાલી
એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 168 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 2,227 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે ડિસેમ્બર મહિનામાં એફઆઇઆઇની નેટ વેચવાલીનો આંકડો રૂ. 3,765 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ. 18,773 કરોડ થાય છે.
Source link