BUSINESS

Business: ઉલ્ટી ગંગા : ગુજરાતને પાછળ પાડી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં રોકાણકારો વધ્યાં

રોકાણકારોની સંખ્યા મામલે ગુજરાતને મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશે પાછળ પાડી દીધા છે. એટલે કે, ટોપ થ્રીમાં મહારાષ્ટ્ર પહેલા, ઉત્તરપ્રદેશ બીજા અને ગુજરાત ત્રીજા સ્થાને છે. ઈન્વેસ્ટર્સની સંખ્યામાં આ સિમાચિહનરૂપ વધારામાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. પણ તે યાદીમાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી પણ પાછળ છે.

આ સમયગાળા દરમિયાન નોંધાયેલા એક કરોડ રોકાણકારો પૈકી ગુજરાતમાંથી નવ ટકાનો ઉમેરો થયો હતો. એનએસઈના ડેટા અનુસાર, 98 લાખ રજિસ્ટર રોકાણકારો સાથે આ અંગેની યાદીમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. જ્યારે 1.8 કરોડ રોકાણકારો સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. તેમજ ઉત્તરપ્રદેશ આ યાદીમાં 1.2 કરોડ રોકાણકારો સાથે બીજા સ્થાને છે. એનએસઈ ખાતે કુલ 11 કરોડ રોકાણકારોમાં આ ત્રણ રાજયોનો ફાળો 36.6 ટકા છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ જણાવ્યું હતું કે, તેના યુનિક રજિસ્ટર રોકાણકારોની સંખ્યા 11 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. તેમાં પણ છેલ્લા પાંચ મહિનામાં જ એક કરોડ રોકાણકારોનો ઉમેરો થયો હતો. સામાન્ય રીતે અગાઉ નવા એક કરોડ રોકાણકારોના ઉમેરા મામલે છથી સાત મહિના જેટલો સમય લાગતો હતો. પણ આ વખતે પાંચ મહિનામાં જ આ આંકડો પ્રાપ્ત થયો હતો. એનએસઈ ખાતે રોકાણકારોની સંખ્યામાં થયેલો આ રેકોર્ડ વધારો એ વાત સૂચવે છે કે, ભારતીય લોકો શેરોમાં રોકાણ કરવા તરફ મોટી સંખ્યામાં આકર્ષિત થઈ રહ્યાં છે. જૂલાઈ 2024થી નવેમ્બર 2024 વચ્ચે નવા એક કરોડ રોકાણકારોનો ઉમેરો થયો હતો. જે માર્કેટમાં સીધી ભાગીદારીમાં થયેલા મજબૂત વધારાને પ્રતિબિંબિત કરે છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, 2024ના વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં આઈપીઓ લોન્ચ થયા હોવાનું ફેક્ટર રોકાણકારોની સંખ્યામાં વધારા માટે મુખ્ય છે. પ્રતિષ્ઠિત કંપનીઓ આઈપીઓ લાવતાં મોટી સંખ્યામાં લોકો રોકાણ કરવા તરફ આકર્ષિત થયા હતા. જો માર્કેટની સ્થિતિ આગળના સમયમાં સ્થિર કે તેજીમાં રહેશે તો 1.25 કરોડથી 1.5 કરોડ નવા રોકાણકારો બજાર સાથે જોડાય તેવી શકયતા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button