વર્ષ 2001ની 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 13 વર્ષ મુખ્યમંત્રી અને 10 વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સતત 23 વર્ષ પૂર્ણ થતા સોમવારથી શરૂ થતા આગામી સપ્તાહે કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે.
તેના ઉપલક્ષ્યમાં રવિવારે- જાહેર રજાના દિવસે સાંજે 4-30 કલાકે સચિવાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે મંત્રીપરિષદ અર્થાત કેબિનેટની બેઠકનું આયોજન થયુ છે. જેમાં કર્મચારીઓ અને ખેડૂતલક્ષી નિર્ણયોની જાહેરાત થઈ શકે તેવા સંકેતો પણ પ્રાપ્ત થયા છે.
સામાન્યતઃ મંત્રી પરિષદ- કેબિનેટની બેઠક સપ્તાહમાં એક વખત તે બુધવારે યોજાય છે. પરંતુ, તેના દિવસો, સમય અંગે મુખ્યમંત્રીને અબાધિત અધિકાર છે. આથી, ભૂતકાળમાં અનેકવખત રવિવાર કે જાહેર રજાઓના દિવસોમાં કેબિનેટ મળતી રહી છે. પરંતુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પહેલીવાર રવિવારે સચિવાલયમાં કોઈ પણ એજન્ડા વગર કેબિનેટ બેઠક યોજવામાં આવતા વહિવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં સૌ કોઈ ચોંકી ઉઠયા છે. બેઠક પાછળના ઉદ્દેશ્યો અંગે કોઈ સત્તાવારપણે ફોડ પાડી રહ્યુ નથી. પરંતુ, કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી ઓક્ટોબરને સોમવારે જાહેર વહીવટી શાસનમાં 23 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે વિકાસકાર્યો સુશાસન અંગે સાપ્તાહિત ઉજવણીના આયોજન માટે બેઠક મળી રહી છે. જેમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો તેમજ ભારે વરસાદથી થયેલા કૃષિ નુકસાન સામે ખેડૂતોને રાહત પેકેજ આપવા જાહેરાત થઈ શકે છે. તદ્ઉપરાંત એકાદ મહિના બાદ ગુજરાતમાં મોટાપાયે સ્થાનિક સ્વરાજ્ય પાલિકા- પંચાયતોની ચૂંટણી આવી રહી છે. આથી, તેના ઉપલક્ષ્યમાં પણ મોટી જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, રવિવારે સાંજે 4-30 કલાકે કેબિનેટ બાદ નિર્ણયો જાહેર કરવા પ્રેસ કોન્ફરન્સ યોજશે. કેબિનેટ પૂર્વે મંત્રીઓ- કર્મચારી આગેવાનોની દોઢ કલાક બેઠક
વર્ષ 2005નો પેન્શન વિવાદ પડતર માંગના ઉકેલની શક્યતા
રવિવારે કેબિનેટની બેઠક મળે તે પૂર્વે શનિવારે સાંજે અચાનક બદલાયેલા ઘટનાક્રમમાં રાજ્ય કર્મચારી મહામંડળ- સંયુક્ત મોરચાના આગેવાનો સ્વર્ણિમ સંકુલમાં આવી પહોચ્યા હતા. જ્યાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મુખ્ય સચિવ રાજકુમાર સામાન્ય વહિવટ, નાણાં સહિતના વિભાગોના સચિવો વચ્ચે દોઢ કલાક બેઠક મળી હતી. આ બેઠકને અંતે કર્મચારી આગેવાનોએ મિડીયા સમક્ષ કહ્યુ કે, વર્ષ 2005માં સરકારી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓને જૂની પેન્શન મુદ્દે સરકારે હકારાત્મક વલણ દાખવ્યુ છે. ઉપરાંત 7માં પગારપંચના પડતર પ્રશ્નો અંગે પણ બંને મંત્રીઓએ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા કહ્યુ છે. આથી, રવિવારે મળનારી કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણયની જાહેરાત થાય તો નવાઈ નહી.
Source link