ગુજરાતની સૌથી વધુ સમૃદ્ધ ગણાતી ઊંઝા APMC પર કબજો જમાવવા માટે ભાજપના જ બેથી ત્રણ ગ્રૂપમાં પડાપડી થઈ છે. વેપારીઓના ચાર અને ખેડૂતોના દસ મળી 14 ઉમેદવારોની જગ્યા માટે ઉમેદવારી પત્રક પાછા ખેંચાયા ત્યારે 36 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. તેમાંથી ખેડૂત પ્રતિનિધિ તરીકેની 10 જગ્યા માટે 20 ઉમેદવાર અને વેપારીઓના ચાર પ્રતિનિધિની જગ્યા માટે 16 ઉમેદવારોએ મોદાનમાં ઉતર્યા છે. ચૂંટણી સમરસ નહીં થાય તો આગામી 16મી ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.
ઉમેદવારી પાછી ખેંચવાની મુદત પૂરી
સોમવારે (નવમી ડિસેમ્બર) ઉમેદવારી પત્રક પાછા ખેંચી લેવાની મુદત પૂરી થઈ છે. ત્યારે 36 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. તેમાં ખેડૂત પ્રતિનિધિ તરીકે 20 અને વેપારીઓના પ્રતિનિધિ તરીકે 16 ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં સામાન્ય રીતે મેન્ડેટ અપાય છે. પરંતુ આ વખતે અત્યાર સુધીમાં કોઈ જ મેન્ડેટ આપવામાં ન આવ્યો હોવાનું આ ચૂંટણીમાં બિનહરીફ થયેલા દિનેશ પટેલનું કહેવું છે કે, જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશ રાજગોર અને સાંસદ હરિભાઈ પટેલે આ ચૂંટણીમાં ભાજપના સભ્યોને બિનજરૂરી ફોર્મ ભરવાથી દૂર રહેવા કે ફોર્મ ભર્યા હોય તો પાછા ખેંચી લેવા સમજાવ્યા હતા. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની મુદત પૂરી થઈ તે પહેલા તો 100થી વધુ જણાએ ફોર્મ ભર્યા હતા. ભાજપના બંને નેતાઓએ ચૂંટણી યોજાયા વિના જ સમરસ પદ્ધતિથી ઉમેદવારોની પસંદગી થઈ જાય તે માટેના પ્રયાસોને અત્યાર સુધીમાં સફળતા મળી નથી.
આ ચૂંટણીમાં પછી APMC પર પોતાનું વર્ચસ્વ વધારવા દિનેશ પટેલ, કિરીટ પટેલ અને નારાણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલ ધમપછાડા કરી રહ્યા છે. તેમ જ પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદ પટેલ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એપીએમસીના પૂર્વ સચિવ વિષ્ણુ પટેલ પણ ચૂંટણીમાં સક્રિય બની પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્નશીલ છે. જો કે આ તમામ પર ભૂતકાળમાં ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. પરંતુ સંસ્થા મોટી હોવાથી તેઓ તેના પર પકડ જાળવી રાખવા સક્રિય રહ્યા છે.
સાંસદ હરિભાઈ પટેલે સમરસ કરવાના પ્રયાસ કર્યા હતા
વેપારીઓના પ્રતિનિધિ તરીકે લડી રહેલા નરેન્દ્ર પટેલ પણ વેપારીઓના સમર્થનથી વિજયી બનવાની આશા રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જિલ્લા સ્તરના રાજગોર અને સાંસદ હરિભાઈ પટેલે સમરસ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ખેડૂતોને ચૂંટણી સમરસ થાય તેમાં રસ જ નહોતો તેઓ આ વખતે ચૂંટણીથી જ પ્રતિનિધિઓ આવે તે માટે મક્કમ છે. તેથી ચૂંટણી સમરસ થવાની શક્યતા હાલને તબક્કે ઓછી જણાય છે. જોકે આ ચૂંટણી લડી રહેલા કિરીટ પટેલનું કહેવું છે કે પક્ષ તરફથી હવે મેન્ડેટ આવશે. તેથી ચૂંટણી સમરસ થવાની શક્યતાને સાવ જ નકારી શકાય તેમ નથી.
ભાજપના જ ત્રણ જૂથોએ ચૂંટણી લડવાની તૈયારીઓ કરી
પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં જ પક્ષના સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂંકના મામલે કેટલાક નિયમો જાહેર કર્યા છે. એક વ્યકિત એક હોદ્દાનો પણ નિયમ હોવા છતાં ઊંઝાના ધારાસભ્યએ એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની અંતિમ તારીખે પણ પોતાની ઉમેદવારી ચાલુ રાખી છે. આ ઉપરાંત પણ આ ચૂટણીમાં ભાજપના જ ત્રણ જૂથોએ ચૂંટણી લડવાની તૈયારીઓ અગાઉથી કરી લીધી હોઈ ચૂંટણીના પરિણામો રસપ્રદ રહેશે.
16મી ડિસેમ્બરે મતદાન યોજાશે
ઊંઝા માર્કેટ યાર્ડની યોજાયેલી ચૂંટણી માટે આગામી 16મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805 મળીને કુલ 1066 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પસંદગીના બોર્ડ ઓફ ડિરેકટર્સનું ભાવિ નિર્ધારીત કરશે. ત્યારબાદ બીજા દિવસે 17મી ડિસેમ્બરે મતગણતરીના અંતે પરિણામો જાહેર કરાશે.
Source link