CBIએ બુધવારે મહારાષ્ટ્રના કથિત ‘બિટકોઈન કૌભાંડ’ કેસની તપાસ શરૂ કરી દીધી છે, જેની રકમ 6,600 કરોડ રૂપિયા હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ કેસ મામલે બે માસ્ટરમાઈન્ડ સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ તપાસ શરૂ કરવામાં આવી છે.
કોણ છે બે માસ્ટરમાઈન્ડ ?
આ કેસમાં બે શંકાસ્પદ અમિત ભારદ્વાજ અને અજય ભારદ્વાજને માસ્ટરમાઈન્ડ તરીકે નામ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અમિતનું તાજેતરમાં જ હાર્ટ એટેકથી નિધન થયું હતું અને અજય ભારદ્વાજ હાલમાં ફરાર છે અને ઘણી તપાસ એજન્સીઓ તેની શોધખોળ કરી રહી છે.
ગૌરવ મહેતાને મોકલ્યું સમન્સ
CBIએ આ કેસમાં અન્ય આરોપી ગૌરવ મહેતાને પણ સમન્સ પાઠવ્યા છે. તેમને ટૂંક સમયમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. શરૂઆતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ભારદ્વાજ બંધુઓ સામે દિલ્હી, પૂણે અને અન્ય કેટલાક સ્થળોએ FIR દાખલ કરી હતી, જેમાં તેમના પર રોકાણકારોને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા પણ નોંધાયેલા કેસના આધારે EDએ તપાસ શરૂ કરી હતી.
ભાજપે સુપ્રિયા સુલે પર આરોપ લગાવ્યો
પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીની ઓડિયો ક્લિપ રજૂ થયાના એક દિવસ બાદ CBIની તપાસ શરૂ થઈ હતી. ભાજપે આરોપ લગાવ્યો છે કે એનસીપી (શરદ પવાર જૂથ)ના સાંસદ સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને એક વેપારી સાથે મળીને મહારાષ્ટ્રમાં વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA)ની તરફેણમાં ગેરકાયદેસર બિટકોઈન લેવડદેવડનું ષડયંત્ર રચ્યું હતું.
સુપ્રિયા સુલેએ ભાજપને મોકલી નોટિસ
સુપ્રિયા સુલેએ ભાજપના આરોપને નકારી કાઢતા કહ્યું કે આ તેમનો અવાજ જ નથી અને ભાજપ પર ‘ગંદી રાજનીતિ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. સુલેએ કહ્યું કે તે આવા ગંદા રાજકારણમાં સામેલ નથી અને ભાજપ પર તેમના નામને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આ મામલે ભાજપને નોટિસ પણ મોકલી છે.
Source link