અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરી 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર ફરી એકવાર વાહનચાલકોને ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વડોદરા નજીકના જામ્બુવાબ્રિજ પર પડેલા મોટા ખાડાઓને કારણે વરણામાથી તરસાલી સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. ગત 5 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે એવા જ વિસ્તારમાં ટ્રાફિકજામ સર્જાયો છે.
24 જુલાઈએ કેન્દ્રીય વાહન પરિવહન મંત્રી નીતિન ગડકરીએ NH અધિકારીઓને ફટકાર્યા બાદ પણ સમસ્યાનું સમાધાન થયેલું જોવા મળતું નથી. સ્કૂલ જતા વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે આ સ્થિતિ ખતરનાક બની છે.
માહિતી મુજબ, 19 જૂન, 26 જૂન, 28 જૂન, 29 જૂન, 23 જુલાઈ, 24 જુલાઈ અને હવે 28 જુલાઈએ કુલ 7 વખત ટ્રાફિકજામ થયો છે. શાંતિનિકેતન સ્કૂલના એક વાનચાલકે
જણાવ્યું કે, છેલ્લા 5-6 વર્ષથી આ સમસ્યા યથાવત્ છે. બાળકોને સ્કૂલે પહોંચાડવા અને પાછા લાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રાફિકમાં ફસાઈને સમયસર સ્કૂલે પહોંચવાનું પણ મુશ્કેલ બન્યું છે.