મણિપુરમાં તાજેતરમાં થયેલા હુમલાઓ અને કાયદો અને વ્યવસ્થાની કથડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રએ મણિપુરના 5 જિલ્લાઓમાં 5 પોલીસ સ્ટેશનો – ઈમ્ફાલ પશ્ચિમ, ઈમ્ફાલ પૂર્વ, જીરીબામ, કાંગપોકપાઈ અને બિષ્ણુપુરને AFSPA હેઠળ ‘અશાંત ક્ષેત્ર’ તરીકે જાહેર કર્યા છે. એટલે કે આ વિસ્તારોમાં હવે ફરી AFSPA લાગુ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારોને 1 ઓક્ટોબર, 2024થી 6 મહિના માટે જાહેર કરાયેલ AFSPA નોટિફિકેશનમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
CAPFની વધુ 20 કંપનીઓ પણ તૈનાત
ત્યારે આશરે 2000 કર્મચારીઓ સાથે 20થી વધુ CAPF કંપનીઓ બુધવારે મણિપુર મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે મંગળવારે રાત્રે આ એકમોને હવાઈ માર્ગે લાવવા અને તાત્કાલિક તૈનાત માટે આદેશો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે સોમવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સાથેની ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 11 શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
સુરક્ષા દળોએ અત્યાધુનિક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો
અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ આતંકવાદીઓએ જીરીબામ જિલ્લાના જાકુરધોરમાં બોરોબેકરા પોલીસ સ્ટેશન અને નજીકના CRPF કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ભીષણ અથડામણ બાદ સુરક્ષા દળોએ અત્યાધુનિક હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની 20 વધુ કંપનીઓ જેને મણિપુર મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેમાં CRPFની 15 કંપનીઓ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની 5 કંપનીઓનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે પણ મણિપુરમાં હિંસા થઈ હતી
આ એકમો CAPFની 198 કંપનીઓમાં સામેલ હશે, જે ગયા વર્ષે મે મહિનામાં મણિપુરમાં શરૂ થયેલી જાતિ હિંસા પછી રાજ્યમાં તૈનાત છે. આ હિંસામાં 200 લોકોના મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયના આદેશ મુજબ આ તમામ CAPF એકમો 30 નવેમ્બર સુધી મણિપુર સરકાર હેઠળ રહેશે અને તેમની તૈનાતી લંબાવવામાં આવે તેવી પણ સંભાવના છે.
Source link