Ecommerce crackdown : COD પર વધારાની ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરાશે: કેન્દ્ર સરકાર

ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કેશ ઓન ડિલિવરી (COD) પર વધારાની ફી વસૂલવાના મામલે કેન્દ્ર સરકાર સખત વલણ પર છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કહ્યું છે કે, જે પણ પ્લેટફોર્મ COD માટે એક્સ્ટ્રા ચાર્જ વસૂલે છે, તેના સામે કડક કાર્યવાહી થશે.
“ગ્રાહકો સાથે અન્યાય સહન કરાશે નહીં.”
તાજેતરમાં એક યુઝરે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે ફ્લિપકાર્ટે તેના ઓર્ડર પર “ઓફર હેન્ડલિંગ ફી”, “પેમેન્ટ હેન્ડલિંગ ફી” અને “પ્રોટેક્ટ પ્રોમિસ ફી”ના નામે 226 રૂપિયા વધારામાં વસૂલ્યા. તેણે વ્યંગરૂપે લખ્યું કે, “આગામી વખતે કદાચ સ્ક્રોલિંગ ફી પણ આવી જશે.
” આ પોસ્ટ વાયરલ થતા જ પ્રહલાદ જોશીએ પ્રતિક્રિયા આપી હતી કે, “ગ્રાહકો સાથે અન્યાય સહન કરાશે નહીં.” ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સે આ ફરિયાદોને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. જે કંપનીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરશે કે ભ્રામક પદ્ધતિ અપનાવશે, તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
લિસ્ટમાં છુપાવીને ચાર્જ વસૂલવો
સરકારે અગાઉ પણ ઈ-કોમર્સ કંપનીઓને “ડાર્ક પેટર્ન્સ” જેવી ભ્રામક માર્કેટિંગ પદ્ધતિઓથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. “ડાર્ક પેટર્ન્સ” એવી રીતો છે જેમાં ગ્રાહકોને જાણ કર્યા વિના પૈસા કે ડેટા લેવાય છે જેમ કે ખોટી તાકીદ બતાવવી (“ઓફર માત્ર 20 મિનિટમાં પૂરી થશે”), ખોટો સ્ટોક દેખાડવો, અથવા લિસ્ટમાં છુપાવીને ચાર્જ વસૂલવો. કેન્દ્ર મંત્રાલય હવે ગ્રાહક અધિકારોના રક્ષણ માટે વધુ કડક કાયદાકીય પગલાં લાવવા તૈયારી કરી રહ્યું છે, જેથી ઈ-કોમર્સ પ્લેટફોર્મની આર્થિક ચાલાકીઓ પર કાબૂ મેળવાય.