SMCના કોર્પોરેટરોનો ખરડાયેલો ઈતિહાસ, ક્યા કોર્પોરેટરોએ અત્યાર સુધીમાં શહેરને કર્યું છે બદનામ
સુરતમાં આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર લાંચ માગવાના કેસમાં ઝડપાયેલા છે. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં કોર્પોરેટરો દ્વારા કોઈપણ કામ માટે લાંચ માંગવામાં આવી હોય અને ACBએ પકડી પાડ્યા હોય તેવા કિસ્સાઓ સુરતમાં જ સામે આવ્યા છે.
અત્યાર સુધી સુરત સિવાય અન્ય કોઈ મહાનગર પાલિકામાં કોર્પોરેટરો લાંચ લેતા ઝડપાયા નથી. સુરતમાંથી પણ ફક્ત આમ આદમી પાર્ટી નહીં, પરંતુ કોંગ્રેસ અને ભાજપ પાર્ટીના કોર્પોરેટરો પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. શું રહ્યો છે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરોનો ખરડાયેલો ઈતિહાસ અને ક્યા કોર્પોરેટરોએ અત્યાર સુધીમાં સુરતને કર્યું છે બદનામ, જોઈએ આ અહેવાલમાં.
એસીબીએ બંને કોર્પોરેટરની ધરપકડ કરી હતી
થોડા દિવસ પહેલા સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા લાંચ માંગવામાં આવી હતી, જે મામલે એસીબી દ્વારા બંને કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા દ્વારા કોઈ કામને લઈ 10 લાખ રૂપિયાની માગ કરવામાં આવી હતી. જેના આધારે એસીબીએ બંને કોર્પોરેટરની ધરપકડ કરી હતી. જોકે આમ આદમી પાર્ટીના આ બંને કોર્પોરેટર ઝડપાયા બાદ રાજકારણ ગરમાયું અને અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા એસીબી અને સરકારની મીલીભગત હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા.
અત્યાર સુધીમાં 8 કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ
આ તમામ આક્ષેપો વચ્ચે ખરેખર સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરોનો ઈતિહાસ શું રહ્યો છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ACB દ્વારા મળેલી માહિતી મુજબ છેલ્લા થોડા વર્ષોમાં રાજ્યભરમાંથી ફક્ત સુરતના કોર્પોરેટરો દ્વારા જ લાંચની માંગણી અથવા તો લાંચ સ્વીકારી હોવાની ઘટના સામે આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં ભાજપના 4 કોર્પોરેટર, કોંગ્રેસના 2 કોર્પોરેટર તેમજ આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
લાંચ લેતા ઝડપી લેવાના 7 કિસ્સા આવ્યા સામે
કિસ્સો 1
વર્ષ 2018માં સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 25ના ભાજપના કોર્પોરેટર મીનાબેન રાઠોડ પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 2
સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2018માં વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરા 55 હજારની લંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 3
સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2019માં વોર્ડ નંબર 8ના ભાજપના કોર્પોરેટર અને ડ્રેનેજ કમિટીના વાઈસ ચેરમેન જયંતીલાલ ભંડેરી 50,000ની લાંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 4
વર્ષ 2019માં સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર લીલાબેન સોનવણે 15,000ની લાંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 5
વર્ષ 2019માં સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18નાં કોંગ્રેસના કોર્પોરેટર કપિલાબેન પટેલ 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 6
સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2020માં વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર સતિષભાઈ પટેલ 15,000ની લાંચ લેતા ઝડપાયા હતા.
કિસ્સો 7
હાલમાં જ વર્ષ 2024માં સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા તેમજ વોર્ડ નંબર 17ના કોર્પોરેટર વિપુલ સુહાગ્યા દસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરવાના કેસમાં ઝડપાયા છે.
જોકે આ તમામ કોર્પોરેટરો સામાન્ય રીતે ગેરકાયદેસર બાંધકામ મામલે અથવા ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન નહીં કરવા મામલે અથવા તો રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિને નજરઅંદાજ કરવા મામલે લાંચની માંગણી કરતા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ 15,000થી 50,000 રૂપિયા સુધીની લાંચની માગ થઈ હોય અથવા સ્વીકારવામાં આવ્યા હોવાના કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા કેસમાં 10 લાખની રકમની માંગણી થઈ હોવાનું સામે આવ્યુ છે.
સુરત મનપાના કોર્પોરેટરો લાંચ લેવામાં સૌથી મોખરે
જે પ્રકારે આપના કોર્પોરેટરો દ્વારા 10 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હોવાનો આક્ષેપ થયો હતો અને ત્યારબાદ રાજકારણ શરૂ થયું હતું અને જેમાં ACBનો ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખોટા ફસાવી દેવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને એસીબી દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે અને ACB દ્વારા અગાઉ ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટરોને પણ લાંચ કેસમાં ધરપકડ કરી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. હાલ તો જે રીતે સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો પકડાયા છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. હકીકત જે પણ હોય તે પણ રાજ્યભરમાં સુરત પાલિકાના કોર્પોરેટરો લાંચ લેવામાં સૌથી મોખરે હોવાનું સાબિત થયું છે, જે નજરઅંદાજ કરી શકાય તેમ નથી.
Source link