છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ-રસ્તા, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સારવારના અભાવે ગર્ભવતી મહિલાનું કરૂણ મોત નિપજવાની ઘટના અંગે અખબારોમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલોના આધારે આ ઘટનાનું ગુજરાત હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લઇ સુઓમોટો જાહેર હિતની રિટ અરજી દાખલ કરી હતી.
જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે સમગ્ર ઘટનાને લઇ ગંભીર ટિપ્પણી કરી હતી કે, અમારે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મદિનની તારીખે જ આવા અહેવાલો વાંચવા પડયા અને આવી ઘટનાથી અમે આઘાતમાં છીએ અને અમારું માથુ શરમથી ઝુકી જાય છે. હાઇકોર્ટે આ કેસમાં સમગ્ર મામલે રાજયના મુખ્ય સચિવનો ખુલાસા સાથેનો જવાબ માંગ્યો હતો.
હાઇકોર્ટે રાજય સરકારની ભારે ટીકા કરી હતી કે, રાજય સરકાર કહે છે કે, અમે આ ગામ છે ત્યાં સુધી રોડ બનાવી શકીએ તેમ નથી પરંતુ આપણે જમ્મુ-કાશ્મીરના રસ્તાઓ પર ટનલ, પર્વતો પર સુરંગ બનાવી શકીએ છીએ. પરંતુ એક નાનકડા આવા ગામમાં પાંચ વર્ષથી રોડ નથી બનાવી શકતા અને એ પણ નર્મદા ખાતે.
ખંડપીઠે ગંભીર નોંધ લેતાં જણાવ્યું કે, અહેવાલો પરથી એ સંકેત પણ મળે છે કે, આ એક જ ગામમાં આ ત્રીજી ઘટના છે. આ ગામ નર્મદાના કિનારે આવેલું છે અને નર્મદા કિનારે એક વિકસિત વિસ્તાર છે, જયાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી છે. કમનસીબે આરોગ્ય સેવા ઘરઆંગણે નહી પહોંચતા ત્રીજા બાળકને જન્મ આપતા મહિલા મોતને ભેટી હતી. હાઇકોર્ટે આ મામલે ન્યાયિક નોંધ લીધી હતી.હાઇકોર્ટે રાજયની સ્થિતિને લઇ ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને આ ગામના રહેવાસીઓએ તેમના ત્યાં રોડ-રસ્તાના નિર્માણ માટે સરકારના સત્તાવાળાઓને અગાઉ કરેલી વિનંતીની નોંધ લીધી હતી. હાઇકોર્ટે જણાવ્યું કે, અખબારી અહેવાલો મુજબ, આ ગર્ભવતી મહિલાને કપડાના સ્ટ્રેચર પર લઇ જવાયા પછી કોઇ રસ્તો નહી હોવાના કારણે એમ્બ્યુલન્સ પીકઅપ પોઇન્ટ પહોંચતા સુધીમાં રસ્તામાં જ મૃત્યુ પામી હતી, આ બહુ આઘાતજનક, હૃદયદ્રાવક અને શરમજનક ઘટના છે. નોંધનીય વાત એ છે કે, આ ગામ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીની નજીક આવેલું છે.
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડાના આદિવાસી ગામમમાં બાસ્કર ફળિયામાં રહેતા આદિવાસીએ તેની પત્ની ગુમાવી છે. ગામમાં રોડ રસ્તો નહી હોવાથી એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહી હોવાથી એમ્બ્યુલન્સ જયાં આવી શકે તે પીક અપ પોઇન્ટ સુધી આ સગર્ભા મહિલાને કપડાનું સ્ટ્રેચર બનાવી તેમાં તેને લઇ પાંચ કિલોમીટરનું અંતર કાપવુ પડે તેમ હતુ અને ત્યાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 25 કિ.મી દૂર હતુ પરંતુ સ્થાનિક લોકોએ આ ગર્ભવતી મહિલાને કપડાના સ્ટ્રેચરમાં લઇ એકાદ કિ.મી અંતર કાપ્યુ ત્યાં જ તેને પ્રસૂતિની પીડા ઉપડી અને તેણે બાળકને જન્મ આપતાંની સાથે જ છેલ્લો શ્વાસ લીધો. એ પછી તેનો મૃતદેહ એ જ કપડાના સ્ટ્રેચરમાં અંતિમ વિધિ માટે તેના ઘરે લાવવામાં આવ્યો હતો. ખંડપીઠે નોંધ્યું કે, અહેવાલો પરથી સ્પષ્ટ થાય છે કે, ગ્રામજનોએ ગામમાં રસ્તા માટે સરકારના સત્તાવાળાઓને વારંવાર રજૂઆતો કરી હતી. પાંચ વર્ષ બાદ ટેન્ડર મંગાવાયુ હતુ પરંતુ એ પછી કંઇ જ કરવામાં આવ્યુ નથી. ગામમાં કોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી, તો નજીકમાં પણ કોઇ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી. હાઇકોર્ટે મુખ્ય સચિવને નોટિસ જારી કરી કયા સંજોગોમાં આ સમગ્ર ઘટના ઘટી તેને લઇને વિગતવાર ખુલાસો માંગ્યો છે. કેસની વધુ સુનાવણી તા.17મી ઓકટોબર મુકરર કરાઇ છે.
રાજપીપળા ગયા ત્યાં પણ આઘાતજનક અનુભવ થયેલો
હાઇકોર્ટે સરકારને બહુ માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, લગભગ બે મહિના પહેલા અમે જયારે રાજપીપળાના એક ગામમાં ગયા ત્યારે એ રસ્તા પરથી પસાર થવુ ખૂબ જ મુશ્કેલ બન્યુ હતું. લીગલ ઓથોરીટીના એકઝીકયુટીવ ચેરમેનને બે કિલોમીટર સુધી નીચે ઉતરવુ પડયુ હતુ અને અચાનક જ પછી આગળ રસ્તો મોટો પહોળો આવી ગયો હતો કારણ કે, ત્યાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી હતુ. પરંતુ આ કાચા-સાંકડા રસ્તાને જોડતી કોઇ એસટીબસ ત્યા નથી અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી માત્ર 15 કિમી દૂર હતુ.
Source link