NATIONAL

Maharashtraમાં ભાજપના નેતા બનશે CM, શિવસેના-NCPના બે નેતા બનશે DyCM: અજિત પવાર

મહારાષ્ટ્રમાં આગામી મુખ્યપ્રધાન કોણ બનશે? આ સવાલ પર છેલ્લા ઘણા સમયથી સસ્પેન્સ હતું જે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. NCPના નેતા અજિત પવારે મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું કે મહાયુતિના નેતાઓની દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મહાયુતિ ભાજપના સીએમ સાથે સરકાર બનાવશે અને બાકીની બે પાર્ટીઓ એટલે કે એનસીપી અને શિવસેના પાસે ડેપ્યુટી સીએમ હશે. આ પહેલીવાર નથી જ્યારે નિર્ણયમાં વિલંબ થયો હોય. જો તમને યાદ હોય તો 1999માં સરકાર બનાવવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો.

મહાયુતીની મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ભાજપે 132 સીટ પર જીત મેળવી તો શિવસેનાએ 57 અને NCPએ 41 સીટ પર જીત મેળવી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના બનેલા મહાગઠબંધને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવી હતી.

5 ડિસેમ્બરે સાંજે આઝાદ મેદાનમાં PMની હાજરીમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ થોડા સમય પહેલા જ જાહેરાત કરી હતી કે નવી મહાગઠબંધન સરકાર 5 ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ ગ્રહણ કરશે. જો કે મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે.

ભાજપને લગભગ 21થી 22 મંત્રીપદ મળશે

સૂત્રોના જણાવ્યા મુજબ સરકારમાં વિભાગોની વહેંચણીમાં દરેક સહયોગીનો હિસ્સો નક્કી કરવા માટે 6 ધારાસભ્ય માટે એક મંત્રી પદની ફોર્મ્યુલા પર વિચાર કરવામાં આવી શકે છે. આ હિસાબે ભાજપને લગભગ 21થી 22 મંત્રીપદ મળશે, શિવસેના શિંદે જૂથને 10થી 12 મંત્રાલય અને અજિત પવાર NCP જૂથને લગભગ 8થી 9 મંત્રાલયો મળશે. મહારાષ્ટ્રમાં મંત્રી પદનો કુલ ક્વોટા મુખ્યમંત્રી પદ સહિત 43થી વધુ ન હોવો જોઈએ.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button