મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીના સુચારું ઉપયોગથી પ્રજાજનોની સમસ્યા-રજૂઆતોના ‘સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નવેમ્બર-24ના રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને વિવિધ રજૂઆતો સાંભળી હતી.
નિશ્ચિત સમયમાં લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા અધિકારીઓને આપ્યા દિશા નિર્દેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગતમાં સામાન્ય માનવીઓ-નાગરિકો દ્વારા કરવામાં આવતી રજૂઆતોનું નિરાકરણ નિશ્ચિત સમય મર્યાદામાં લાવી દેવાના સ્પષ્ટ દિશા નિર્દેશો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો-અરજદારો પોતાની રજૂઆતો ગુરૂવારે સવારે 8 થી 11 દરમિયાન રજૂ કરે છે.
અધિકારીઓને આપ્યું માર્ગદર્શન અને સૂચનાઓ
આવી મળેલી રજૂઆતોની સ્ક્રુટીની કરીને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પરામર્શમાં રહીને તેનું નિવારણ કરવામાં આવે છે. નાગરિકોની લાંબા ગાળાની પડતર રહેલી રજૂઆતો મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં પોતે સાંભળે છે અને જિલ્લા-વિભાગોના અધિકારીઓને સમસ્યાના નિવારણ માટે માર્ગદર્શન-સુચનાઓ પણ આપે છે.
7 જેટલા અરજદારોની લાંબા સમયની પડતર રજૂઆતો સાંભળી
નવેમ્બર-24ના ચોથા ગુરૂવારે યોજાયેલા આ રાજ્ય સ્વાગતમાં 120 જેટલી રજૂઆતો મળી હતી. તેનું સંબંધિત અધિકારીઓ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું. 7 જેટલા અરજદારોની લાંબા સમયની પડતર રજૂઆતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વયં ધ્યાનપૂર્વક સાંભળીને તે સંદર્ભમાં સંબંધિત જિલ્લા તંત્ર કે વિભાગે કરેલી કાર્યવાહીની પણ જાણકારી મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષની વીડિયો કોલ મારફતે મેળવી હતી.
અધિક મુખ્ય સચિવ અને સચિવ રહ્યા હાજર
તેમણે અરજદારોને વારંવાર કચેરીમાં આવવું ન પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તે હેતુસર જિલ્લા અધિકારીઓને નિશ્ચિત સમય મર્યાદામાં રજૂઆતોનું નિવારણ લાવી દેવા અને તે અંગે રજૂઆતકર્તાને પણ જાણ કરવા માટેના સૂચનો કર્યા હતા. આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને મનોજકુમાર દાસ, સચિવ અવંતિકા સિંઘ, ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા.
Source link