મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ જવા રવાના થશે,સ્વ. રતન ટાટાનું ગઈ મોડી રાત્રે અવસાન થયું છે. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે.* મુખ્યમંત્રી મુંબઈ પહોંચીને સ્વ. રતન ટાટાના પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન પાઠવશે અને બપોર બાદ ગાંધીનગર પરત આવશે.
આ રીતે કરાશે અંતિમ સંસ્કાર
રતન ટાટાના નશ્વર દેહને વરલીના પારસી સ્મશાનભૂમિમાં લાવવામાં આવશે. સૌ પ્રથમ મૃતદેહને પ્રાર્થના મંડપમાં રાખવામાં આવશે. હોલમાં લગભગ 200 લોકો હાજર રહી શકે છે. પ્રાર્થના લગભગ 45 મિનિટ સુધી ચાલશે. પ્રાર્થનાસભામાં પારસી પરંપરામાં ‘ગેહ-સારનુ’ વાંચવામાં આવશે. નશ્વરદેહના મોં પર કપડાનો ટુકડો મૂકીને ‘અહનવેતિ’નો આખો પહેલો પ્રકરણ વાંચવામાં આવશે. આ એક શાંતિ પ્રાર્થનાની પ્રક્રિયા છે. પ્રાર્થના પ્રક્રિયા પૂર્ણ થયા પછી નશ્વરદેહને ઇલેક્ટ્રિક અગ્નિદાહમાં મૂકવામાં આવશે. આ રીતે અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ થશે.
અંતિમ દર્શન કરવા લોકોનો જમાવડો
રતન ટાટાના નશ્વર દેહને તિરંગાથી લપેટવામાં આવ્યો છે. નશ્વરદેહને નરીમાન પોઈન્ટ ખાતેના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA)માં રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. બપોરે 3.30 વાગ્યા સુધી લોકો અંતિમ દર્શન કરી શકશે. અંતિમ સંસ્કાર મુંબઈના વર્લી વિસ્તારમાં સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.
ટાટા એ ટ્રસ્ટનું નામ છે
ભારતીય વ્યાપાર અને પરોપકારના ક્ષેત્રના દિગ્ગજ એવા રતન ટાટાએ 9 ઓક્ટોબરના રોજ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા અને એક વિશાળ વારસો છોડી દીધો. રતન ટાટા નવલ ટાટાના પુત્ર હતા. તેમને રતનજી ટાટાએ દત્તક લીધા હતા. રતનજી ટાટા ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના પુત્ર હતા. ટાટા પરિવાર એ ભારતના સૌથી અગ્રણી અને પ્રભાવશાળી બિઝનેસ પરિવારોમાંનું એક છે, જે બહુરાષ્ટ્રીય સમૂહ ટાટા ગ્રૂપની સ્થાપના માટે જાણીતું છે.ટાટા પરિવાર બિઝનેસની સાથે સાથે પરોપકાર માટે પણ જાણીતો છે. ટાટા પરિવારના ઘણા સભ્યોએ ટાટા ટ્રસ્ટ સહિત અનુસંધાન સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો અને ફાઉન્ડેશનો સ્થાપ્યા છે. તે ભારતની સૌથી મોટી સેવાભાવી સંસ્થાઓમાંની એક છે.