ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્પષ્ટ અને આક્રમક નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. પછી તે વાત ગુંડારાજની હોય કે સનાતન ધર્મની. ત્યારે સીએમ યોગી આદિત્યનાથે સોમવારે માતા ત્રિપુરા સુંદરીના આશીર્વાદની ભૂમિ ત્રિપુરા રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં સિદ્ધેશ્વરી મંદિરના ઉદ્ઘાટન અને અભિષેક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જે દરમિયાન તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું.
સુરક્ષા માટે સુદર્શન ચક્ર ચલાવવુ જરૂરી
સીએમ યોગીએ કહ્યું કે માત્ર ‘મોરલી’ જ પૂરતી નથી, પણ સુરક્ષા માટે ‘સુદર્શન’ ચક્ર ચલાવવું પણ જરૂરી છે. સીએમ યોગીએ વધુમાં કહ્યું કે અયોધ્યા, મથુરા અને કાશી સનાતન હિન્દુ ધર્મના ત્રણ મહત્વના સ્તંભો અને મૂલ્યના બિંદુઓ છે. જે શક્તિશાળી છે, જે તેના દુશ્મનોને તેની શક્તિનો અહેસાસ કરાવે છે, તે હંમેશા સુરક્ષિત રહેશે.
યોગી આદિત્યનાથે કહ્યું કે ડબલ એન્જિનની બીજેપી સરકારે ‘વિકાસ અને વિરાસત’ના અભિયાનને આગળ વધારી છે. . શ્રી અયોધ્યાધામમાં પ્રભુ શ્રી રામનું મંદિર નિર્માણ કર્યુ હોય કે પછી ત્રિપુરામાં મા ત્રિપુર સુંદરીના મંદિરનું બ્યુટીફિકેશન તથા પુર્નરુદ્ધારનું કાર્ય હોય. આ તમામ તેના સાક્ષાત ઉદાહરણ છે. સીએમ યોગીએ વધુમાં કહ્યું કે યુપીમાં ડબલ એન્જિનની સરકાર આવી અને સુરક્ષાનો માહોલ મળ્યો. તોફાનો સામે બુલ્ડોઝર ચલાવવામાં આવ્યા સાથે સાથે ભક્તો માટે શ્રી રામ મંદિરનું નિર્માણ પણ કરાયું.
પાકિસ્તાન માનવતાનું કેન્સર- સીએમ યોગી
સીએમ યોગીએ પાકિસ્તાન અંગે નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે દેશનું વિભાજન સ્વીકાર કર્યુ અને પાકિસ્તાન નાસૂર છે. તે માનવતાનું કેન્સર છે. તેનો ઉપચાર સમય રહેતા દુનિયાની તમામ તાકાતોએ મળીને કરવો પડશે.