- ખેતર માલિકે માપણી કરાવતા ક્ષેત્રફળમાં ઘટ આવી
- 2 શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ
- આ બે શખ્સો સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા ખેડૂતની મૂળી સીમમાં ખેતીની જમીન આવેલી છે. આ જમીન પર ગામના ર શખ્સોએ પાકુ મકાન બનાવી નાંખ્યુ હતુ. ત્યારે આ બે શખ્સો સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. 2 દિવસ પહેલા જ ચૂડામાં લેન્ડ ગ્રેબીંગની એક સાથે ર ફરિયાદો નોંધાઈ હતી. ત્યારે મૂળી પોલીસ મથકે ખેતીની જમીનમાં પાકુ બાંધકામ કરી જમીન પચાવી પાડયાની ફરિયાદ નોંધાઈ છે. વધુમાં મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના રતનપરમાં કરણસીંહ નીર્મળસીંહ પરમાર રહે છે. તેમનું મુળ વતન મુળી છે. મુળીની સીમમાં તેમની વડિલોપાર્જીત ખેતીની જમીન આવેલી છે. વર્ષ 2016માં જમીનની માપણી કરાવતા ક્ષેત્રફળમાં ઘટ આવી હતી. આથી તપાસ કરતા તેમની જમીન પર મૂળીના લખમણભાઈ ચતુરભાઈ કોળી, ઘનશ્યામભાઈ ચતુરભાઈ કોળીએ મકાન બનાવી નાંખ્યુ હતુ. આથી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કલેકટર કચેરીમાં અરજી કરાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરે તા. 3-8-2024ના રોજ મળેલી બેઠકમાં એફઆઈઆર કરવાનો હુકમ કર્યો હતો. આથી કરણસીંહ પરમારે તા. 22મી ઓગસ્ટે મૂળી પોલીસ મથકે આરોપી લખમણભાઈ ચતુરભાઈ કોળી, ઘનશ્યામભાઈ ચતુરભાઈ કોળી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.
Source link