Business: IPO ક્લોઝર અને લિસ્ટિંગના દિવસ વચ્ચે ટ્રેડિંગ માટે રેગ્યુલેટેડ-પ્લેટફોર્મ સુવિધાની વિચારણા
આઈપીઓ ક્લોઝર અને સ્ટોક માર્કેટમાં તેના લિસ્ટિંગ થવા સુધીના દિવસો દરમિયાન તે શેરમાં ટ્રેડિંગ કરવાને મંજૂરી આપવા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ વિચારણા હાથ ધરી છે. સેબીના ચેરપર્સન માધબી પૂરી બુચે મંગળવારે આ અંગેની માહિતી આપી હતી.
હાલ આઈપીઓ ક્લોઝર અને સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ સુધી ત્રણ દિવસનો ગેપ હોય છે. જે દરમિયાન અનિયંત્રિત ટ્રેડિંગ પ્રવૃત્તિ થતી જોવા મળે છે. જે સામાન્ય રીતે કર્બ ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. જેથી આવા ટ્રેડિંગને એક રેગ્યુલેટેડ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી રોકાણકારો નિયંત્રિત ફ્રેમવર્કમાં ટ્રેડિંગ કરી શકે, તેવી સુવિધા પૂરી પાડવાનો હેતુ છે. જે સુરક્ષિત વેપાર કરવાની મંજૂરી આપે છે, અનૌપચારિક બજારો પર નિર્ભરતા ઘટાડે છે અને પારદર્શકતામાં વધારો કરે છે.
મંગળવારે મુંબઈ ખાતે એસોસિએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા (એઆઈબીઆઈ)ના 13માં વાર્ષિક કન્વેન્શનમાં બોલતાં માધબી પૂરી બુચે આઈપીઓ બેન્કર્સની જવાબદારી નક્કી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ જાણે છે કે, તેઓ ક્યારે પમ્પ એન્ડ ડમ્પ કંપનીને શેર માર્કેટમાં લાવી રહ્યાં છે અને તેમને એ કહેવાની જરૂર નથી કે, આવા કેસમાં રેગ્યુલેટર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે. આઈપીઓ બેન્કર્સ એ શોધવા માટે સક્ષમ છે કે, આઈપીઓ મારફત નાણાં એકત્ર કરનારી કંપની અસલી છે કે નકલી. આ સાથે માધબી પૂરી બુચે આઈપીઓ ડિસ્ક્લોઝર પારદર્શકતામાં સુધારો કરવાના હાલ જારી પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ વાત પર ભાર મૂકયો હતો કે, સેબી આઈપીઓની કિંમત નક્કી કરતું નથી. પણ એ વાતની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે, રોકાણકારોને આ મૂલ્યાંકન કરવા માટે જરૂરી માહિતી મળે કે, મૂલ્ય નિર્ધારણ યોગ્ય છે કે નહીં.
નોંધનીય છે કે, 2024ના વર્ષ દરમિયાન ભારતના આઈપીઓ માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. ગત વર્ષે 91 મોટી કંપનીઓના આઈપીઓ આવ્યા હતા. કંપનીઓએ આઈપીઓ મારફત વિક્રમજનક રૂ.1.6 લાખ કરોડ એકત્ર કર્યા હતા.
Source link