- બ્લેક રોબ ધારણ કરવાની પરંપરાને ગુડબાય
- દીક્ષાંત સમારંભ માટે ડ્રેસ કોડ જે-તે રાજ્યની પહેરવેશ અને પરંપરાને આધારે તૈયાર કરાશે
- પદવીદાન સમારંભ વખતે બ્લેક રોબ અને હેટ ધારણ કરવાની પરંપરા મધ્યયુગીન યુરોપની છે
ભારતની શિક્ષણ સંસ્થાઓમાં પદવીદાન સમારંભ વખતે હવે કાળા ગાઉન અને ટોપી જેવી વેશભૂષા નહીં ચાલે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત તબીબી શિક્ષણ સંસ્થાઓને પદવીદાન સમારંભ વખતે ધારણ થતા સંસ્થાનવાદી યુગની વેશભૂષાથી મુક્ત થવા આદેશ આપ્યા છે.
તેમાં એઇમ્સ અને આઇએનઆઇએસ જેવી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસ્તાનવાદી યુગના વારસાથી મુક્ત થઈને ભારતીય પરંપરા તરફ વળવા નક્કી કરેલા પંચ પ્રાણ મિશનના માળખા મુજબ છે. 23 ઓગસ્ટના રોજ મંત્રાલયે જારી કરેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પદવીદાન સમારંભ વખતે બ્લેક રોબ અને હેટ ધારણ કરવાની પરંપરા મધ્યયુગીન યુરોપની છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં આ પરંપરા અમલમાં આવી હતી. મંત્રાલયે શિક્ષણ સંસ્થાઓને તે સંસ્થા જે રાજ્યમાં આવેલી હોય તે રાજ્યની પરંપરા મુજબ નવો પદવીદાન ડ્રેસ કોડ ડિઝાઇન કરવા સૂચના આપી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન ડ્રેસ કોડ તે સંસ્થાનવાદી વારસો છે. તેને બદલવાની જરૂર છે. તાજેતરના વર્ષોમાં ભારતીય શિક્ષણ સંસ્થાઓમાં પણ પદવીદાન સમારંભમાં ભારતીય પોષાક ધારણ કરવાની માગણી ઊઠી રહી હતી. કાળુ ગાઉન અને હેટ તે ભારતીય પરંપરાથી અલગ છે.
Source link