કેન્દ્રીય કાયદો-બોનસ ચુકવણી અધિનિયમ 1965 મુજબ કંપનીઓ તથા ફેક્ટરીઓએ તેમના શ્રામિકો-કર્મચારીઓને બોનસની ચુકવણી કરવી ફરજિયાત છે. વર્ષ 2023-24માં રાજ્યમાં બોનસની ચુકવણી નહીં કરનારા 418 એકમો સામે રાજ્યના લેબર કમિશનરની કચેરીએ કોર્ટ કેસ દાખલ કર્યા છે.
જો કે બોનસ નહીં ચૂકવનારી કંપનીઓ-ફેક્ટરીઓ સામે શિક્ષાત્મક જોગવાઈ તદ્દન હાસ્યાસ્પદ અને નગણ્ય છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા આવા માલિકો સામે મહત્તમ 6 માસની જેલની સજાની તથા મહત્તમ રૂ. 1 હજારની દંડની જોગવાઈ છે. કોરોના સમયથી શ્રામિકો પાસેથી વધુ સમય કામ લેવાની જોગવાઈ શ્રામકાયદામાં દાખલ થઈ છે, પરંતુ શ્રામિકો-કર્મચારીઓને બોનસ નહીં ચૂકવનારા માલિકો સામે દંડ અને સજાની 1965ની ચાલી આવતી જોગવાઈઓ સુધારવાનું સરકારને સૂઝતું નથી.
રાજ્યના લેબર કમિશનરની કચેરીના જણાવ્યા પ્રમાણે 2023-24ના બોનસ પેટે રાજ્યની 5,520 સંસ્થાઓ તથા ઔદ્યોગિક એકમોએ અત્યાર સુધી આશરે 9 લાખ 60 હજાર 398 શ્રામિકોને રૂ.1,417 કરોડ 35 લાખ 70 હજાર 360 જેટલી રકમ ચૂકવી છે અને હજી કેટલાક એકમોમાં બોનસ ચૂકવવાની પ્રક્રિયા ચાલુ છે. ગયા વર્ષે એટલે કે 2022-23ના વર્ષ પેટે રાજ્યમાં 5,513 એકમોમાં આશરે 9 લાખ 51 હજાર 274 શ્રામિકોને બોનસ તરીકે રૂ. 1,202 કરોડ 64 લાખ 63 હજાર 280 ચૂકવાયા હતા.
Source link