જામનગર શહેરમાં વાહન ચાલકોને નિયમભંગ બદલ ફટકારવામાં આવતા ઇ-ચલણની ચૂકવણી અંગે વાહનધારકો ઉદાસીન હોવાને પગલે વિપુલ માત્રામાં ઇ-ચલણની વસૂલાત પેન્ડીંગ હોવાથી તા. 14 સપ્ટેમ્બર 2024ના આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતમાં તમામ પેન્ડીંગ ઇ-ચલણ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી મોનીટરીંગ
જામનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા CCTV કેમેરા મારફત ટ્રાફિક નિયમોનો ભંગ બદલ ઈસ્યુ કરેલા ઈ-મેમો (ચલણ) દંડ ન ભરનાર 3627 વાહન ચાલકોને કોર્ટ દ્વારા નોટીસો ઈસ્યુ કરી છે. તા. 14 સપ્ટેમ્બરના રોજ યોજાનાર લોક અદાલતમાં અથવા તે પહેલા ઈ-મેમોનો દંડ ભરીને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે તાકીદ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા જામનગર શહેરમાં થતી ગુન્હાહિત પ્રવૃતિઓ ઉપર બાઝ નજર રાખવા માટે શહેરમાં 355 CCTV કેમેરાઓ ફીટ કરવામાં આવ્યા છે. આ તમામ કેમેરાઓનું સીધું SP કચેરી પાસે ઉભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવે છે.
વાહન ચાલકોને કોર્ટની નોટીસ
ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર જેમકે, ત્રિપલ સવારી, મોબાઈલ પર વાત કરવી, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન બાંધનાર સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમા દ્વારા દંડ કરવામાં આવે છે. પરંતુ વર્ષ 2021થી દંડની ભરપાઈ ન કરનાર 3627 વાહન ચાલકોને કોર્ટ દ્વારા નોટીસો ઈસ્યુ કરવામાં આવી છે. ઈ-મેમોના નાણાની ભરપાઈ ન કરનાર વાહન ચાલકોએ આગામી તા. 14 સપ્ટેમ્બરના રોજ યોજાનારા લોક અદાલતમાં અથવા તે પહેલા ભરી દેવા અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે તાકીદ કરવામાં આવી છે. ઈ-મેમોના નાણા ભરવા માટે હાલ SP કચેરી ખાતે ઉભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની બારીએ રૂબરૂ ભરી અને ઓનલાઈન ઈ-ચલણ પણ ભરી શકે છે.
355 CCTV કેમેરા ઉપર 24 કલાક મોનીટરીંગ
જામનગર શહેરમાં ફીટ કરાયેલા 355 CCTV કેમેરાઓ ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે PSI અને 16 પોલીસકર્મીઓ અને 6 એન્જીનીયરો દ્વારા 24 કલાક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ સ્ટાફની 8-8 કલાકની ફરજ સોંપવામાં આવી છે.
CCTV કેમેરાની મદદથી 8 માસમાં 123 ગુનાઓનો ભેદ ઉકેલાયા
જામનગર શહેરમાં ફીટ કરવામાં આવેલા CCTV કેમેરાઓના કારણે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા છેલ્લા 8 માસમાં 123 ગુનાઓનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થયા છે. જેમાં ચોરી, લૂંટ તેમજ અકસ્માત સર્જી નાશી છુટેલા વાહન ચાલકોને પકડવા તેમજ કોઈ વ્યક્તિઓના કાગળો, પૈસા, દાગીના સાથેના બેગ વાહનોમાં ભુલાઈ ગયા હોય તે શોધવા સહિતમાં મદદરૂપ બની રહ્યા છે.
Source link