કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા છે અને ત્યાં એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે. વિવિધ એલર્જીનું આ ક્લિનિકમાં નિદાન થશે અને એલર્જીના દર્દીઓને ઈમ્યુનો થેરાપીની સારવાર પણ અપાશે.
સુરત સિવિલમાં અનેક ઓપરેશન વિનામૂલ્યે થાય છે: સી.આર.પાટીલ
તમને જણાવી દઈએ કે આ ક્લિનિકમાં રેસિડેન્ટ તબીબો સહિત નર્સિંગ સ્ટાફ કાર્યરત રહેશે. એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઈમ્યુનોથેરાપી ક્લિનિકના ઉદ્ઘાટન બાદ સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે સુરત સિવિલમાં અનેક ઓપરેશન વિનામૂલ્યે થાય છે, સુરત સિવિલ હોસ્પિટલે લોકોનો વિશ્વાસ જીત્યો છે. એલર્જીના નિદાનનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં ઘણો મોંઘો છે, ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાનનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયાનો થાય છે.
એલર્જીની કોઈપણ તકલીફ હોય તો સિવિલ હોસ્પિટલમાં બતાવવા આવવું: સી.આર.પાટીલ
ત્યારે આ ક્લિનિક શરૂ થયા બાદ લોકોને દક્ષિણ ગુજરાતમાં વિનામૂલ્યે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર મળશે. સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે ગઈકાલે જ એક બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું, જે ઓપરેશન બહાર 5 લાખ રૂપિયામાં થાય છે, તે અહીં સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ અપીલ પણ કરી કે એલર્જીની કોઈપણ તકલીફ હોય તો સિવિલ હોસ્પિટલમાં બતાવવા આવવું, જેથી મોટા ખર્ચથી સામાન્ય લોકો બચી શકે અને તેમને એક રૂપિયા ખર્ચ કર્યા વગર મફતમાં સારવાર મળી શકે.
વિવિધ એલર્જીના દર્દીઓને ઈમ્યુનો થેરાપીની સારવાર આપવામાં આવશે
તમને જણાવી દઈએ કે વિવિધ એલર્જીનું નિદાન, જૂની ધુળના કીડા, જીવ જંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી, પરાગરજ, ફૂગ, ખોરાક સહિતની એલર્જીનું નિદાન સિવિલ હોસ્પિટલમાં થશે અને વિવિધ એલર્જીના દર્દીઓને ઈમ્યુનો થેરાપીની સારવાર પણ આપવામાં આવશે. આ સાથે જ ક્લિનિકમાં તમામ રેસિડેન્ટ ડોક્ટરો સહિત અન્ય નર્સિંગ સ્ટાફ પણ સતત ફરજ પર હાજર રહેશે.
સુરત સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં વધારો
ઉલ્લેખનીય છે કે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. કોલકતાની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં CCTV વધારાશે અને બ્લેક સ્પોટ પર લાઈટ વધારવામાં આવશે. મહિલા ગાર્ડ સહિત 15 સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરવામાં આવ્યો છે અને સુરત સિવિલ હોસ્પિટલમાં કુલ 600થી વધુ કેમેરા લગાવવામાં આવેલા છે.
Source link