ભારતીય બેટ્સમેન શુભમન ગિલે જણાવ્યું હતું કે ભારતીય ટીમ બ્રિસબેનમાં નવેસરથી શરૂઆત કરીને બોર્ડર ગાવસ્કર ટ્રોફી હવેથી ત્રણ મેચની શ્રેણી છે તેવું સમજીને મેદાનમાં ઉતરશે. શનિવારથી બ્રિસબેનના ગાબામાં ત્રીજી ટેસ્ટ રમાશે.
એડિલેડ ખાતે મળેલા પરાજયના કારણે ટીમ નિરાશ થઇ હતી તેવી કબૂલાત કરીને ગિલે ઉમેર્યું હતું કે ટીમ દબાણ સાથે શ્રેણીમાં આગળ વધવા માગતી નથી. ડ્રેસિંગરૂમનો માહોલ સકારાત્મક છે અને સભ્યોએ બ્રિસબેનમાં ડિનર મિટિંગનો આનંદ પણ માણ્યો હતો. ગિલે જણાવ્યું હતું કે કેમ્પનો માહોલ ઘણો સારો છે અને અમે ગુરુવારે સાથે ડિનર કર્યું હતું. આ દરમિયાન ખેલાડીઓએ એકબીજા સાથે મસ્તી પણ કરી હતી. એડિલેડમાં અમારું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નહોતું પરંતુ અમે હવેથી ત્રણ મેચની શ્રેણી છે તેવું સમજીને રમીશું. જો અમે બ્રિસબેન ટેસ્ટમાં વિજય મેળવવામાં સફળ રહીશું તો મેલબોર્ન અને સિડનીમાં અમારો દાવો વધારે મજબૂત થશે. રિષભ પંત સાથે પૂરી ટીમ ગાબામાં પરત ફરીને ખુશ થઇ છે તેમ જણાવીને ગિલે ઉમેર્યું હતું કે 2021માં અમે ઓસ્ટ્રેલિયન ટીમને ગાબામાં હરાવીને આ ગ્રાઉન્ડમાં નહીં હારવાની ઓસ્ટ્રેલિયાની પરંપરાને તોડી નાખી હતી.
Source link