ન્યૂઝીલેન્ડનો અનુભવી બેટ્સમેન કેન વિલિયમ્સન કમરના સ્નાયુ ખેંચાઈ જવાની ઈજામાંથી હજુ સુધી સંપૂર્ણ મુક્ત થઈ શક્યો નથી જેના કારણે તે ભારત સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં જે પૂણે ખાતે ગુરુવારથી રમાશે. બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ આઠ વિકેટે જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ ત્રણ મેચની શ્રોણીમાં 1-0થી આગળ છે.
વિલિયમ્સન શ્રીલંકા સામે ચાલુ મહિનાની શરૂઆતમાં રમાયેલી ટેસ્ટ શ્રોણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે હજુ સુધી ભારતમાં ટીમ સાથે જોડાયો નથી. ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટિડે જણાવ્યું હતું કે વિલિયમ્સન સારી રિકવરી કરી રહ્યો છે પરંતુ હજુ સુધી સંપૂર્ણ ફિટ થયો નથી. અમે તેની ઉપર સતત નજર રાખી રહ્યા છે અને તે જલદીથી ફિટ થઈ જશે તેવી આશા છે. આગામી દિવસોમાં તેની ફિટનેસમાં સુધારો થશે અને ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. અમે તેને સંપૂર્ણ ફિટ થવા માટે પૂરતો સમય આપવા માગીએ છીએ. તેમ છતાં અમે તેના માટે કોઈ ઉતાવળિયો નિર્ણય લઈને જોખમ લઈશું નહીં. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ પહેલી નવેમ્બરથી મુંબઇ ખાતે રમાશે.
Source link