ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં ઘરઆંગણે ટેસ્ટ શ્રોણીમાં મળેલા 3-0ના શરમજનક પરાજય બાદ ભારતીય ટીમ પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. પર્થ પહોંચતાની સાથે ભારતીય ટીમે વાકા ગ્રાઉન્ડમાં ગુપ્ત રીતે ટ્રેનિંગ સેશન કર્યું હતું.
વાકા સ્ટેડિયમમાં ટીમો નેટ પ્રેક્ટિસ કરે છે તેની નજીક જ રસ્તો છે અને સામાન્ય રીતે ત્યાંથી અવરજવર કરતાં લોકો ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોતા હોય છે પરંતુ ભારતીય ટીમના ટ્રેનિંગ સેશન દરમિયાન આવું બન્યું નહોતું.ભારતના ટ્રેનિંગ સેશનની આજુબાજીના વિસ્તારને કાળા રંગના કપડાંથી બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે બહારની કોઈ પણ વ્યક્તિ ખેલાડીઓને પ્રેક્ટિસ કરતાં જોઈ શકશે નહીં. મેદાનમાં એક રીતે જાણે લૉકડાઉન લગાડવામાં આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. 2022ના ટી20 વર્લ્ડ કપ દરમિયાન પણ આવું બન્યું હતું. આ ઉપરાંત સ્ટેડિયમમાં કામ કરી રહેલા લોકો માટે ફોનનો ઉપયોગ પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાને કોઈ પણ રીતે પોતાની તૈયારીઓનો ખ્યાલ ના આવે તે ભારતીય ટીમ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરી રહ્યું છે.
ભારતીય ટીમે પર્થ ટેસ્ટ મેચ પહેલાં એક ઇન્ડિયા-એ ટીમ સામે ઇન્ટ્રા સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ રમવાની હતી પરંતુ આ મુકાબલો રદ કરી દેવામાં આવ્યો છે. ભારત-એ ટીમ પણ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. ખેલાડીઓને મેચમાં ઈજા ના થાય તે હેતુથી પ્રેક્ટિસ મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય ટીમ 22મી નવેમ્બરથી રમનારી પ્રથમ ટેસ્ટમાં કોઈ પણ પ્રેક્ટિસ મેચ રમ્યા વિના મેદાનમાં ઉતરશે. વાકામાં શ્રોણીની એક પણ મેચ રમાશે નહીં. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ વેન્યૂમાં ભારતે એક જ મેચ રમી હતી જેમાં 146 રનથી પરાજય થયો હતો.
Source link