રાજ્ય તથા કેન્દ્ર સરકાર લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડી રહી છે. પરંતુ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે. પોરબંદરની એક માત્ર મોટી સરકારી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.
2 કરોડના ખર્ચે આવેલ સીટી સ્કેન મશીન બંધ હાલતમાં
બીજી તરફ અકસ્માત, મારામારીમાં ઈજા પામેલ ઈમરજન્સીઓ દર્દીઓ પણ અહીં સારવાર માટે આવે છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓનો જીવ બચાવવા અને યોગ્ય સારવાર મળી રહે તે માટે સીટી સ્કેન સહિતની સુવિધાઓની જરૂર પડતી હોય છે. પરંતુ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ હોય તેવું સામે આવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન તો છે. પરંતુ ટેક્નિકલ ખામીને કારણે છેલ્લા દોઢ વર્ષ અંદાજિત 2 કરોડના ખર્ચે આવેલ સીટી સ્કેન મશીન બંધ હાલતમાં છે.
નવા મશીનને રાખવાની પૂરતી જગ્યા ના હોવાથી નવું સીટી સ્કેનનું મશીન આવ્યું નથી: સુપરિટેન્ડેન્ટ
આ બાબતે મેડિકલ સુપરિટેન્ડને પૂછતાં તેઓએ એવું જણાવ્યું હતું કે સીટી સ્કેન મશીનના રીપેરીંગનો ખર્ચ વધુ હોવાથી આ મશીન શરૂ કર્યું નથી તો હોસ્પિટલના તંત્ર દ્વારા નવા મશીન માટે રાજ્ય સરકારને દરખાસ્ત તો મોકલી આપવામાં આવી છે. પરંતુ હોસ્પિટલમાં નવા મશીનને રાખવાની પૂરતી જગ્યા ના હોવાથી નવું સીટી સ્કેનનું મશીન આવ્યું નથી. નવી સરકારી મેડિકલ કોલેજનું કામ પૂર્ણ થતાં નવું મશીન આવી જશે તેવું મેડિકલ સુપરિટેન્ડેન્ટને જણાવ્યું હતું તો બીજી તરફ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની સુવિધા માટે ખાનગી સંસ્થા સાથે કરાર કરી દર્દીઓને વિના મૂલ્યે સીટી સ્કેનની વ્યવસ્થા કરી આપી છે.
સીટી સ્કેન વિભાગ હોવા છતાં તેની સુવિધા હોસ્પિટલમાં મળતી નથી: દર્દીના સગા
દર્દીઓના સગાઓએ પણ જણાવ્યું છે કે દર્દી સારવાર માટે આવતું હોય છે, પરંતુ ડોક્ટર જ્યારે સીટી સ્કેનનું કહે ત્યારે ન છૂટકે તેમને ફરી હાલાકી ભોગવવી પડે છે અને હોસ્પિટલની બહાર સીટી સ્કેન માટે જવું પડે છે. સીટી સ્કેન વિભાગ હોવા છતાં હોસ્પિટલ ખાતે સીટી સ્કેનની કોઈ સુવિધા મળતી નથી.
Source link