વિમાનોને ઉડાવી દેવાની સતત ધમકીઓ મળી રહી છે. આજે ગુરુવારે એક સાથે 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જ્યારબાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. આ ધમકીઓની તપાસ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. દિલ્હી પોલીસે છેલ્લા આઠ દિવસમાં 90થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને ધમકી આપવાના સંબંધમાં 8 અલગ-અલગ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસેથી માગ્યા ડેટા
આ દરમિયાન સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર મેકને ધમકી આપતા નકલી સંદેશાઓ અને કૉલ્સને ગંભીરતાથી લઈ રહી છે. સરકાર ઘણા ધમકીભર્યા સંદેશાઓ શોધવાના પ્રયાસો કરી રહી છે અને તે મુજબ પગલાં લઈ રહી છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ META (Facebook/Instagram) અને Xને પણ ડેટા શેર કરવા અને તપાસમાં સહકાર આપવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે એર ઈન્ડિયાના 20, ઈન્ડિગોના 20, વિસ્તારાના 20 અને આકાસાના 25 વિમાનોને એક સાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની સતત મળી રહી છે ધમકીઓ
આજની ઘટના પહેલા 170થી વધુ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી, જેમાંથી મોટા ભાગની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આવી હતી. આ ધમકીઓ પાછળથી ખોટી સાબિત થઈ હતી, જેના કારણે સેંકડો મુસાફરોને અસુવિધા થઈ હતી. તેમજ અર્ધલશ્કરી દળો અને ઉડ્ડયન અધિકારીઓ માટે સુરક્ષાની ચિંતાઓ ઊભી થઈ હતી.
દિલ્હી પોલીસે 8 FIR નોંધી
આ પહેલા દિલ્હી પોલીસે 90 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંબંધમાં છેલ્લા આઠ દિવસમાં અલગ-અલગ 8 FIR નોંધી છે. જે ફ્લાઈટને ધમકીઓ મળી છે તેમાં અકાસા, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે. આ ફ્લાઇટ્સ દિલ્હીથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ઓપરેટ થાય છે. પોલીસનું કહેવું છે કે, આ મામલામાં તપાસ ચાલી રહી છે.
ધમકીઓ આપનારાઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની યોજના
બોમ્બની ધમકીઓને કારણે સરકારે નકલી કોલ કરનારાઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની યોજના બનાવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું છે કે, એરલાઈન્સને બોમ્બની ધમકી આપતા નકલી કોલ કરવાને કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવશે. અસરગ્રસ્ત ફ્લાઈટ્સમાં અકાસા એર, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની સેવાઓનો સમાવેશ થાય છે જે દિલ્હી અને દેશભરના અન્ય સ્થાનોથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોએ કાર્યરત છે. અગાઉ 19 ઓક્ટોબરના રોજ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)એ આ મુદ્દે દિલ્હીમાં એરલાઇન્સના સીઇઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
Source link