ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ વચગાળાના ઈન્ચાર્જ પ્રમુખ તરીકે પાલિકાના હાલના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
ધણા લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી ડીસા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી પ્રમુખ પદની જગ્યા પર શનિવારે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે બપોરના વિજય મુહુર્તમાં ચાર્જ સંભાળ્યો હતો. ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે જ્યારથી પ્રમુખની વરણી થઈ ત્યારથી વિવાદ ચાલી રહ્યો હતો. ભાજપનું એક ગ્રુપ સતત પાલિકા પ્રમુખ સંગીતાબેન સામે નારાજ હતું અને તાજેતરમાં ભાજપના સદસ્યોએ અપક્ષો સાથે મળી સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપતા સમગ્ર વિવાદનો અંત આવી ગયો છે. ત્યારે પાલિકા પ્રમુખના રાજીનામાં બાદ શનિવારએ ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર ભાજપના આગેવાનો , કાર્યકરો તેમજ બ્રહ્મસમાજના ભાઈ-બહેનો તેમજ તેમના સમર્થકો સાથે વિજય મુહુર્તમાં પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, અમૃતભાઈ દવે, કનુભાઈ જોષી, રમેશભાઈ દેલવાડીયા, અશોકભાઈ પટેલ, પાલિકા સ દસ્ય નિલેષભાઈ ઠક્કર, રાજુભાઈ ઠાકોર, રાજુભાઈ ઠક્કર, ચેતનભાઈ ત્રિવેદી, વાસુભાઈ મોઢ, અમીત રાજગોર સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવા પ્રમુખ તરીકે નીતાબેન અને ભારતીબેન મોખરે
નગરપાલિકાના નવા મહિલા પ્રમુખ તરીકેના દાવેદારોમાં નીતાબેન નિલેશભાઈ ઠક્કર, ભારતીબેન ભરતભાઈ પટેલનું નામ હાલ ચર્ચાસ્પદ છે. પરંતુ ભારતીબેન પટેલ તટસ્થ ભાજપ સાથે જોડાયેલા ના હોવાના કારણે પાર્ટી તેમના પર વિૃાસ મુકી શકે તેમ નથી ત્યારે આગામી દિવસમાં પાર્ટી કોને મેન્ડેટ આપશે તે નક્કી થશે. આ બાબતે શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયાએ જણાવ્યું હતું કે પાલિકાની આ ટર્મ મહિલા અનામત હોંવાથી આગામી પંદરેક દિવસમાં પાર્ટી મહિલા પ્રમુખ તરીકેનું નામ જાહેર કરશે.
Source link