સતત ત્રીજા દિવસે ડીસાનું લઘુત્તમ તાપમાન એક આંકડામાં નોંધાયુ હતું. શનિવાર રાતનું તાપમાન 8.9 ડિગ્રી રહેતાં લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ કોલ્ડવેવની આગાહી હોય આગામી અઠવાડિયા સુધી કાતિલ ઠંડીથી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ નથી.
છેલ્લા એક અઠવાડિયાથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થતાં રવી વાવેતર ઘઉં, ચણા, જીરું, વરિયાળી સહિતને ફાયદો થશે અને ઉત્પાદનમાં વધારો થવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે. ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનો ફૂંકાતાં રાજ્યભરમાં શીતલહેર ફરી વળી છે. ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે અને લઘુત્તમ તાપમાન એક આંકડામાં નોંધાઈ રહ્યુ છે. શનિવારે રાત્રે પારો વધુ નીચે ગયો હતો અને ડીસાનું તાપમાન 8.9 ડિગ્રી રહ્યુ હતું. જે સામાન્ય તાપમાનની સરખામણીએ ર.પ ડિગ્રી નીચુ રહ્યુ હતું. ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારો મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો હતો અને લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસતી સાંજના સમયથી જ કડકડતી ઠંડીની શરૂઆત થઈ જાય છે અને રાત્રે શીતલહેર ફરી વળતાં લોકો રીતસર ઠુંઠવાઈ રહ્યા છે.
આ વર્ષે નવેમ્બર માસમાં જોઈએ તેવી ઠંડી પડી નથી અને મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતાં વધુ રહ્યુ હતું. પરંતુ ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવા માંડી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે પાડોશી જિલ્લા બનાસકાંઠા અને પાટણમાં હજુ ઠંડીનું જોર વધવાની શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અઠવાડિયા સુધી કડકડતી ઠંડીનો માહોલ રહે તેવી શક્યતાઓ છે. છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીમાં વધારો થતાં બાળકો, વૃધ્ધો તેમજ દમ સહિતના દર્દીઓને હાલાકીઓ ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં વધારો થતાં બાળકોમાં તાવ, શરદી તેમજ ઉધરસની બિમારીમાં પણ વધારો થવા લાગ્યો છે.
ઠંડીથી રવી પાકોને ફાયદો થશે
ઉત્તર ગુજરાતમાં ઘઉં, ચણા, મકાઈ, વરિયાળી, જીરું, દિવેલા, કપાસ સહિતનું રવી વાવેતર કરવામાં આવ્યુ છે. આ વર્ષે દેવ દિવાળી સુધી ઠંડીની શરૂઆત ન થતાં અનેક ખેડૂતો મુંઝાયા હતા અને શિયાળુ વાવેતરને માફકસર ઠંડી ન મળે તો પાક વૃધ્ધિમાં મુશ્કેલીઓ આવે તેવો ભય ઉભો થયો હતો. પરંતુ ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયાથી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કરતાં નીચું નોંધાઈ રહ્યુ છે. ત્યારે હજુ ઠંડીનો ચમકારો રહેશે અને માફકસર ઠંડીને કારણે રવી પાકોને ફાયદો થઈ શકે છે.
Source link