સંસદમાં રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાથી જાણકારી મળે છે કે જાન્યુઆરી 2022થી સપ્ટેમ્બર 2024 દરમિયાન 25,500થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતીં, જેને પગલે દેશમાં 10.67 લાખ જેટલા પ્રવાસીઓ પ્રભાવિત થયા હતા. કેન્સલ થયેલી ફ્લાઇટ્સમાંથી 41.56 ટકા માટે ખરાબ હવામાન જવાબદાર હતું.
જાન્યુઆરી 22 પછીના 33 મહિના દરમિયાન ઈન્ડિગોએ પોતાના પ્રસરેલા બિઝનેસના કારણે કેન્સલ થયેલી 25,547 ફ્લાઇટ્સમાંથી 60.53 ટકા એટલે કે 15,464 ફ્લાઇટ્સનો હિસ્સો ધરાવતું હતું. તેના પછી એલાયન્સ એરે 2,707 ફ્લાઇટ્સ, એર ઈન્ડિયાએ 1,934 અને સ્પાઇસ જેટે 1,731 ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી. આ આંકડા રાજ્ય કક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ દ્વારા રાજ્યસભામાં પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં.તેઓ સીપીઆઈના સાંસદ પી.પી. સુનીર દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપી રહ્યા હતાં. સુનીરે કેન્સલેશન, તેના કારણો અને પ્રભાવિત યાત્રીઓને આપવામાં આવેલા વળતર સહિત વિવિધ બાબતોની વિગત માંગી હતી.
નોંધનીય છે કે 33 મહિનામાં 25,547 ફ્લાઇટ્સ રદ થઈ તેમાંથી સૌથી વધારે 11,707 ફ્લાઇટ્સ આ વર્ષના પ્રથમ નવ મહિનામાં કેન્સલ થઈ હતી. પાછલા વર્ષે 7,427 અને 2022માં 6,412 ફ્લાઇટ્સ રદ થઈ હતી. આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ઈન્ડિગોએ 7,135 ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી. કારણોની ચર્ચા કરીએ તો 10619 ફ્લાઇટ્સ રદ થવા માટે ખરાબ હવામાન જવાબદાર હતું. વળતરની ચર્ચા કરીએ તો જે ઈન્ડિગોની સૌથી વધારે ફ્લાઇટ્સ રદ્દ થઇ હતી તેણે તમામ એરલાઇન્સમાં સૌથી ઓછું વળતર ચૂકવ્યું હતું. વળતરના આંકડા પર નજર નાખીએ તો 2022માં તેણે ફક્ત રૂ. 18,000નો ખર્ચ કર્યો હતો. એટલું જ નહીં 2023 અને 2024માં અત્યાર સુધી જરાપણ ખર્ચ કર્યો નથી.
Source link