ભારતમાં અબજોપતિઓની સંખ્યા અને અબજોપતિની સંપત્તિના પ્રમાણમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. સ્વિસ બેન્ક યુબીએસના લેટેસ્ટ અહેવાલ અનુસાર પાછલા નાણાવર્ષ દરમિયાન ભારતીય અબજોપતિઓની સંપત્તિ 42 ટકા વધીને 905 અબજ ડોલરથી વધારે થઈ ગઈ હતી.
આ સૂચિમાં ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમ પર છે. યુબીએસ બિલિયોનર એમ્બિશન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાછલા 10 વર્ષ દરમિયાન ભારતીય અબજોપતિઓની સંખ્યા બમણા કરતાં પણ વધારે વધીને 185 થઈ છે જ્યારે એપ્રિલ 2024ના અંત સુધીમાં તેમની સંયુક્ત સંપત્તિમાં લગભગ ત્રણ ગણો એટલે કે 263 ટકાનો જંગી વધારો થયો હતો. રિપોર્ટ અનુસાર ભારત વૈશ્વિક અર્થતંત્રની ટોચ તરફ પહોંચી રહ્યું છે તેમ ફેમિલી બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. આમાં એ બિઝનેસનો વધુ સમાવેશ થાય છે કે જેઓની કંપનીઓ શેરબજાર પર લિસ્ટેડ છે. એક દાયકામાં આવા પારિવારિક બિઝનેસમેનના કારણે ભારતીય અબજોપતિની સંખ્યામાં મોટો વધારો થયો હતો.
વિશ્વમાં અબજોપતિઓની સંપત્તિની વૃદ્ધિ નબળી પડી
ભારતમાં અબજોપતિઓની સંપત્તિ વધી રહી છે ત્યારે બીજી તરફ વિશ્વમાં અબજોપતિઓની સંપત્તિની વૃદ્ધિ નબળી પડી છે. રિપોર્ટમાં ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં વધારા માટે ભારતીય બિઝનેસમેન્સની નિરંતર ગતિશિલતા તથા દેશના અનુકૂળ આર્થિક માહોલને જવાબદાર ગણવામાં આવ્યો છે.
Source link