દિલ્હીના પ્રશાંત વિહારમાં રવિવારે સવારે થયેલા પ્રચંડ બ્લાસ્ટને લઇને આજે પણ લોકોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સીઆરપીએફ સ્કૂસની દિવાલ પાસે જ આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે બિલ્ડિંગ અને કારના કાચ તૂટી ગયા હતા. આ મામલે પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. બ્લાસ્ટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે આપસાસના તથા બજારના તમામ સીસીટીવી ડીવીઆર પોતાના કબ્જામાં લીધા છે જે પરથી જ્યાં બ્લાસ્ટ થયો તે જગ્યા પર 3 શંકાસ્પદ લોકોની અવર જવર જોવા મળી છે.
3 શંકાસ્પદ કેમેરામાં થયા કેદ
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રશાંત વિહારમાં CRPF સ્કૂલની દિવાલ પાસે રવિવારે થયેલા વિસ્ફોટના CCTV ફૂટેજમાં 3 લોકો શંકાસ્પદ દેખાઈ રહ્યા છે. આ સિવાય બે લોકો પણ જોવા મળી રહ્યા છે, જેમની ગતિવિધિ પણ શંકાસ્પદ છે. જો કે આ બંને વિશે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બ્લાસ્ટમાં તેઓની કોઈ ભૂમિકા હતી કે નહીં, કારણ કે પોલીસ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી રહી નથી.
શું દેખાયુ સીસીટીવીમાં ?
પરંતુ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે શનિવારે રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિ સફેદ ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. તે થોડો સમય વિસ્ફોટના સ્થળે રહ્યો અને પછી ત્યાંથી ચાલ્યો ગયો. હવે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે અને આ શકમંદોની શોધખોળ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી એવી માહિતી પણ સામે આવી છે કે વિસ્ફોટક પોલીથીન બેગમાં લપેટીને અડધાથી એક ફૂટ ઊંડા ખાડામાં મૂકવામાં આવ્યો હતો. જો કે તેનું વૃક્ષારોપણ કર્યા બાદ ખાડો કચરાથી ઢંકાયેલો હતો.
આ એન્ગલથી થઇ રહી છે તપાસ
મહત્વનું છે કે આ ઘટનાને પગલે એનઆઇએ અને એનએસજીની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. ઘટના સ્થળે ગઇકાલે ડોગ સ્કવોર્ડ, અને બોમ્બ સ્ક્વોર્ડ પણ પહોંચી હતી. આ બ્લાસ્ટને લઇને તપાસ એજન્સી ચાર એન્ગલથી તપાસ કરી રહી છે. એક તો નક્સલી એટેક, ખાલિસ્તાની લિંક અને પાકિસ્તાન બેસ્ડ ટેરર અને અન્ય કોઇ ષડયંત્રનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે સીઆરપીએફએ તાજેતરના દિવસોમાં નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે જેથી પોલીસને શંકા છે કે આ વિસ્ફોટ પાછળ નક્સલવાદીઓનો પણ હાથ હોઈ શકે છે.