સુપ્રીમ કોર્ટે સોમવારે સવાલ ઉઠાવ્યો કે જય શ્રીરામનો સૂત્રોચ્ચાર કરવો તે અપરાધ કઈ રીતે કહી શકાય? જસ્ટિસ પંકજ મીઠલ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ કર્ણાટક હાઇકોર્ટે આ સંબંધી કેસમાં આવેલા ચુકાદાને પડકારતાં થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.
હાઇકોર્ટે 13 સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપતાં મસ્જિદની અંદર કહેવાતી રીતે જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કરનારી બે વ્યક્તિ સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીને રદ કરી દીધી હતી. હાઇકોર્ટના ચુકાદાને પડકારતાં હૈદરઅલી સી.એમ. તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી. બેન્ચે જણાવ્યું કે તે લોકો એક ખાસ ધાર્મિક સૂત્રનો પોકાર કરી રહ્યા હતા. તે અપરાધ કઈ રીતે બની શકે? કોર્ટે એવું પણ પૂછયું કે જે લોકોએ મસ્જિદની અંદર જઈને સૂત્રોચ્ચાર કર્યો તેમને કઈ રીતે ઓળખવામાં આવ્યા?
બેન્ચે અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતને પૂછયું કે તમે સૂત્રોચ્ચાર કરનારાની ઓળખ કઈ રીતે કરી? તમે કહો છો કે સીસીટીવીમાં સૂત્રોચ્ચાર કરનારા જોવા મળે છે. મસ્જિદમાં પ્રવેશ કરીને સૂત્રોચ્ચાર કરનારની ઓળખ કરવામાં આવી છે? વકીલે કહ્યું કે કેસની તપાસ અધૂરી હતી તે પહેલાં જ હાઇકોર્ટે કેસ રદ કરી દીધો હતો. સુપ્રીમે કહ્યું કે હાઇકોર્ટને લાગ્યું હશે કે આરોપ આઇપીસીની કલમ 503 કે કલમ 447માં થયેલી અપરાધ વ્યાખ્યા મુજબનો નથી.
Source link