ગેરકાયદે નિર્માણ સામે સખત વલણ અપનાવતાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપતાં કહ્યું કે, વહીવટી વિલંબ, સમય વીતી જવો કે રોકાણના કારણે કોઈ ગેરકાયદે બાંધકામ કાયદેસરનું ન થઈ શકે. સુપ્રીમ કોર્ટે દેશમાં ગેરકાયદે બાંધકામથી છુટકારો મેળવવા અને શહેરી વિકાસ યોજનાઓ લાગુ કરવા માટે જાહેર હિતમાં દિશાનિર્દેશ જારી કર્યા છે.
36 પાનાંના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિલ્ડરોએ હવે સોગંદ લેવા પડશે કે તેઓ પૂર્ણતા પ્રમાણપત્ર વગર મકાનનો કબજો નહીં સોંપે.જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેંચે મંગળવારે ચુકાદો આપતાં કહ્યું કે નિર્માણ બાદ થતા કાયદાના ઉલ્લંઘન સામે પણ ત્વરિત કાર્યવાહી થવી જોઈએ. એવા બાંધકામને તોડી પાડવા સાથે દોષિત અધિકારીઓને પણ દંડ કરવો જોઈએ. બેંચે મેરઠમાં એક રહેણાક જમીન પર બનેલા ગેરકાયદે વ્યાવસાયિક બાંધકામને ધ્વસ્ત કરી દેવાને યોગ્ય ગણાવતાં કહ્યું, શહેરી યોજના સાથે સંકળાયેલા કાયદા અને અધિકારીઓની જવાબદારીને કડક રીતે લાગુ કરવાની જરૂર છે.સુપ્રીમ કોર્ટની બે જજની બેંચે કહ્યું કે સ્થાનિક ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલી ભવન યોજનાના ઉલ્લંઘનને પ્રોત્સાહિત ન કરી શકાય. જે નિર્માણ કોઈ ભવન યોજના મંજૂરી વિના દુસ્સાહસથી કરવામાં આવે તો તેને પણ પ્રોત્સાહિત ન કરી શકાય.
વહીવટી વિલંબને ઢાલ ન બનાવી શકાય
બંચે કહ્યું કે કાયદા હેઠળ કર્તવ્યોને પૂરાં કરવામાં અધિકારીઓ તરફથી વિલંબ થાય, વહીવટી નિષ્ફળતા, નિયામકીય અસક્ષમતા અને રોકાણનો ખર્ચ, ઓથોરિટીની લાપરવાહીને ગેરકાયદે બાંધકામના બચાવમાં ઢાલ તરીકે ઉપયોગમાં ન લઈ શકાય. બેંચે કહ્યું, એવાં બાંધકામોને નિયમિત કરનારી યોજનાઓ માત્ર અસાધારણ પરિસ્થિતિઓમાં અને વિસ્તૃત સર્વેક્ષણ બાદ જ આવાસીય ઘરોના કિસ્સામાં એક વાર ઉપાય તરીકે અપનાવવી જોઈએ.
Source link